પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે 4 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરે કાર્યશાળા યોજાશે - મહાત્મા મંદિર
ગાંધીનગર: વડાપ્રધાન મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં પ્રાકૃતિક ખેતી અંગેના સુભાષ પાલેકરના અભિગમ ઉપર એક કાર્યશાળાનું 4 સપ્ટેમ્બરે મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
![પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે 4 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરે કાર્યશાળા યોજાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4303963-thumbnail-3x2-kheti.jpg)
સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ પદ્ધતિ કૃત્રિમ ખાતરો, જંતુનાશકો વગર અને સ્થાનિક ખેત સામગ્રીથી ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંત આધારિત છે. આ પદ્ધતિના જીવામૃત, બીજામૃત, આચ્છા’દન, વાપશા એમ મુખ્ય ચાર આધારસ્થંભો છે. રાજ્યના ખેડૂતો સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ આ ખેતી અપનાવતા થયા છે. જેમાં ખેડૂતોનો ખેત સામગ્રીનો ખર્ચ ઘટતાં એકંદરે આવકમાં વધારો થાય છે.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે અને પદ્મશ્રી ડૉ. સુભાષ પાલેકર તરફથી ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતીની સમજ અને જરૂરીયાત અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતી બાબતે નીતિ આયોગનો અભિગમ રજૂ કરશે. હિમાચલ પ્રદેશ રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અમલમાં છે. જયારે એકઝીકયુટીવ ડાયરેકટર પ્રો રાજેશ્વરસિંઘ ચંડેલ પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવાના કાર્યક્રમનું અમલીકરણના અનુભવો રજૂ કરશે. પ્રાકૃતિક ખેતી વિશેષ નિષ્ણાંતો તથા ખેડૂતો પોતાના મંતવ્ય રજૂ કરશે.