ન્યૂઝ ડેસ્કઃ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંને ક્ષત્રિય ઉમેદવાર ઉતારતા ભાજપે પાટીદાર ધારાસભ્યોને આકર્ષવા નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી રહી છે. ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના બે ઉમેદવારની સાથે આજે બપોરે નરહરિ અમીન પણ પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.
કોંગ્રેસમાં પહેલા રાજીવ શુક્લા અને શક્તિસિંહ ગોહિલનું નામ ચર્ચાઈ રહ્યું હતું. જેથી કોંગ્રેસમાં ભડકો થયો હતો. આ અંગે કોંગ્રેસના કેટલાક નારાજ ધારાસભ્યોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત પણ કરી હતી. મવડી મંડળને જાણ કરી આખરે રાજીવ શુક્લાના સ્થાને ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવી હતી.
કોને ફાયદો, કોને નુકસાન?
રાજ્યસભામાંથી 4 સભ્યો નિવૃત થયાં છે. જેમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે. હવે એક સાથે 4 બેઠકોની ચૂંટણી થવા જઈ રહી છે. જેથી ભાજપ એક બેઠક ગુમાવી શકે છે અને કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. એટલે કે કોંગ્રેસ 4માંથી 2 બેઠક જીતી શકે છે. લોકસભાની 26 બેઠકમાંથી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે. જે વધીને પાંચ થઈ શકે તેમ છે.
હાલ વિધાનસભામાં સંખ્યાબળ જોતા વિપક્ષી કોંગ્રેસ પાસે 72 સભ્યો છે, જ્યારે ભાજપના 103 સભ્યો છે. જેના આધારે કોંગ્રેસને બે બેઠકો મળી શકે છે, એટલે કે ભાજપે ત્રણમાંથી એક બેઠક ગુમાવવી પડશે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે, જો ભાજપ 3 ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારશે તો અમીન પાટીદાર હોવાથી કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે.