અમદાવાદ :દેશના રાજકીય ઇતિહાસમાં હાલનો સમય નરેન્દ્ર મોદી યુગ ઓળખાશે. છેલ્લા બે દાયકાથી નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશની રાજનીતિને બદલી છે. સત્તાકીય જાહેર જીવનમાં નરેન્દ્ર મોદીના આજે 22 વર્ષ સંપન્ન થાય છે. જેમાં 13 વર્ષ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને 9 વર્ષ દેશના વડાપ્રધાન તરીકેનો સમયગાળો ભારત માટે નિર્ણાયક છે. 7 ઓકટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારથી આજ સુધીની તેમની જાહેર જીવનની સફર ઐતિહાસિક રહી છે. આવો જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 22 વર્ષની સફર
ગુજરાત મોડલના જનક નરેન્દ્ર મોદી : સંગઠન હોય કે સત્તાકીય રાજકારણ નરેન્દ્ર મોદીએ હંમેશાથી તેમના આગવા વિચારો, વ્યૂહરચના અને નિર્ણયોથી અન્ય ભારતીય રાજનેતાઓથી અલગ ઓળખ ઉભી કરી છે. આફતને પણ અવસરમાં પરિવર્તીત કરનાર નરેન્દ્ર મોદીને 2001 ના ભૂકંપમાં તત્કાલીન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલની શિથિલતા કારણે મળી સત્તાનું સુકાન સંભાળવાની તક મળી હતી. આ તકનો લાભ નરેન્દ્ર મોદીએ બરાબર લીધો. દેશમાં પહેલી વાર વિકાસના મુદ્દે રાજનીતિ કરી, મત માંગ્યા. તો હિંદુત્વના મુદ્દા થકી તેઓએ કોંગ્રેસને ગુજરાતમાંથી રીતસરની ભૂંસી નાખી છે. ગુજરાતના પ્રાણ પ્રશ્નો હોય કે સતત કોમી તોફાન હોય. નબળા ઇન્ફ્રાસ્ટ્રકચરનો મુદ્દો હોય કે કેન્દ્ર સરકારની અવગણના, આ તમામ મોરચે નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક પહેલથી સિદ્ધિ મેળવીને વિરોધીઓને ચિત્ત કરી નાંખ્યા છે. ગુજરાતમાં 2002 થી 2022 સુધીની સળંગ પાંચ વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ થકી પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો ભગવો લહેરાવ્યો છે.
ગુજરાત બન્યું ગ્લોબલ ડેસ્ટિનેશન : નરેન્દ્ર મોદીએ 2001 માં ગુજરાત રાજ્યની સત્તા સંભાળી ત્યારે ગુજરાતમાં કોમી તોફાનોને કારણે ઉદ્યોગો રાજ્ય બહાર જાય છે, તેવી વિરોધીઓએ અફવા ફેલાવી હતી. આ સામે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ફક્ત દેશના જ ઉદ્યોગપતિઓને નહીં પણ વિશ્વના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ અને ઉદ્યોગ સ્થાપવા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો આરંભ કર્યો હતો. 2003 થી આરંભાયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે વિશ્વમાં પૂર્વના દાઓસ તરીકે ઓળખાય છે. જેમાં ગ્લોબલ લીડર અને ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે આહવાન કર્યું. 2003 થી 2023 સુધીના 20 વર્ષના સમય ગાળામાં કુલ નવ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ છે. જેના થકી રાજ્યમાં વિવિધ ઔદ્યોગિક ઝોન અને સ્પેશિયલ ઇકોનોમિક કોરિડોરનું નિર્માણ થતા લાખો કરોડોનું ઔદ્યોગિક મૂડી રોકાણ આવ્યું છે. આજે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે, જેના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્ર મોદી છે.
નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી સફર :નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન થયેલા ગુજરાત અને ભારતના વિકાસ અંગે રાજકીય વિશ્લેષક ડો. નિશિતા દીક્ષીતે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના 22 વર્ષના સુશાસને ભારતીયોને વિશ્વાસ અપાવ્યો છે. દેશ અને વિદેશમાં ભારતીયો હવે પ્રાઉડ ફીલ કરે છે. હાલ ભારતીય પાસપોર્ટનું મૂલ્ય વિશ્વસ્તરે વધ્યુ છે. દેશના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમણે ગરીબોના ઘર, શૌચાલયની ચિંતા કરી અને તેમને ઘરવાળા બનાવ્યાં છે. 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાથી શૌચાલય અંગે બોલવું એ દર્શાવે છે કે, નરેન્દ્ર મોદી દેશના ગરીબ મહિલા-પુરુષો પ્રત્યે કેટલા સંવેદનશીલ છે. તેઓને મહિલા આરોગ્યની કેટલી બધી ચિંતા છે. દેશમાં મેટ્રો, બુલેટ અને વંદે ભારત ટ્રેનો આપી છે. ફ્લાય ઓવર સહિતનું ઇન્ફ્રાસ્ટ્રકચર આપ્યું છે. RSS કાર્યકરથી લઈને ગ્લોબલ લીડર સુધી નરેન્દ્ર મોદીની સફર પ્રેરણાદાયી છે. યોગને જે રીતે યુનો દ્વારા વૈશ્વિક મહત્વ અપાયું છે તે કાબિલ-એ-તારીફ છે. દેશને હજી એક દાયકો નરેન્દ્ર મોદીના નેતૃત્વની આવશ્યકતા છે.
નરેન્દ્ર મોદીની સ્વપ્નદ્રષ્ટા છબી : 7 ઓકટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેઓએ પાવરકટની સમસ્યાને નિદ્યારીત સમયમાં ઉકેલવા માટે જ્યોતિગ્રામ યોજના અમલમાં મુકી હતી. જ્યોતિગ્રામ યોજનાએ રાજ્યમાં ક્રાંતિ કરી અને નરેન્દ્ર મોદીની સ્વપ્નદ્રષ્ટા છબી સ્થાપી થઈ. હાલ રાજ્યના 18 હજાર ગામોમાં 24 કલાક થ્રી ફેઝ પાવર મળે છે. ઊર્જા વિકાસની સાથે નરેન્દ્ર મોદીએ રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઘટતી ઉત્પાદકતા અને ખેડૂતોની નીરસતા દૂર કરવા લેબ ટુ લેન્ડને જોડવા માટે સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. તેનાથી ખેડૂતોની ખેત ઉત્પાદકતા તો વધી સાથે કૃષિ ક્ષેત્ર એક વ્યવસાયથી એગ્રી ઇન્ડસ્ટ્રી બન્યું. આજે કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે મગફળી અને એરંડાના ઉત્પાદનમાં પણ અગ્રક્રમે બન્યું છે. આ સિદ્ધિ માટે નરેન્દ્ર મોદીએ આરંભેલી કરેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના, સુજલામ-સુફલામ યોજના અને સૌની યોજના સાથે કૃષિ મેળો કારણભૂત છે.
સામાજિક વિકાસનું સરવૈયું : નરેન્દ્ર મોદીએ આર્થિક વિકાસની સાથે સામાજિક સમરસતા સાથે સામાજિક વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. રાજ્યમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ વધે અને અધવચ્ચેથી શાળાકિય શિક્ષણ છોડવાનો દર ઘટે એ માટે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવનો આરંભ કરાવ્યો, જેના થકી ગુજરાતમાં આજે શાળા છોડવાનો દર એક ટકા કરતાં પણ ઓછો થયો છે. જાહેર આરોગ્ય માટે 108 ના અસરકારક અમલીકરણથી અકસ્માત અને આકસ્મિક સમયે થતો મૃત્યુ દર ઘટ્યો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને સિવિલ કે જિલ્લા હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ થયો છે. રાજ્યમાં માતૃ મરણ દર અને શિશુ મરણ દર ઘટ્યો છે. આયુષ્યમાન કાર્ડ અને શાળા આરોગ્ય કાર્ડ થકી જરૂરિયાત મંદોને મોંઘી સારવાર રાહત દરે મળે છે. આમ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના સામાજિક વિકાસ માટે જે પહેલ કરી હતી એ હવે રાષ્ટ્રીય કાર્યક્રમો બન્યા છે.
રાજકીય સફરના ઉતાર-ચડાવ : રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યપ્રધાનથી દેશના વડાપ્રધાન બનવા સુધીની સફરમાં આવેલી મુશ્કેલીઓ અંગે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું કે, 7 ઓકટોબર 2001 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે દેખીતી રીતે તેમની પાસે વહિવટનો કોઈ અનુભવ ન હતો. સામે પક્ષે ભૂકંપ અને બાકી રાજ્યમાં પ્રશ્નો હતા. નરેન્દ્ર મોદી જેમ-તેમ કચ્છને બેઠું કરતા હતા ત્યાં જ ગુજરાતમાં ગોધરાકાંડ સર્જાયો. એના કારણે ગુજરાતની છબી દેશ અને વિદેશમાં ખરડાઇ હતી. આ સંજોગોમાં ઉદ્યોગ જગતની એક સંસ્થાએ ગુજરાતનો બહિષ્કાર કર્યો હતો. આ સંજોગોમાં કચ્છ અને ગુજરાતને બેઠું કરવા તથા છાસવારે થતાં કોમી રમખાણોને નિર્મૂળ કરી ઉદ્યોગોને ગુજરાતમાં ફરી સ્થાપિત કરવાનો પડકાર નરેન્દ્ર મોદીએ એકલ હાથે મુખ્યપ્રધાન તરીકે ઝીલ્યો હતો.
અભૂતપૂર્વ નિર્ણયો :2002 થી 2009 સુધીમાં નરેન્દ્ર મોદીએ વહીવટીતંત્ર પર પોતાની પકડ જમાવી લીધી હતી. તેઓએ કૃષિ મહોત્સવ, વાઈબ્રન્ટ સમિટ જેવી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ થકી ગુજરાત મોડલને વિકસાવ્યું. પોતાના આગવા પ્રયાસથી સર્જેલ ગુજરાત મોડલના માધ્યમથી નરેન્દ્ર મોદી 2014 માં દેશના વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બન્યા બાદ દેશના દાયકા જૂના પ્રશ્નો જેવા કે, 370 કલમ, ત્રિપલ તલાક, રામ મંદિર, કરવેરાના અટપટા માળખાને દૂર કરી નૂતન ભારતનો પાયો નાંખ્યો. કોરાનાકાળમાં પણ સ્વદેશી રસીના નિર્માણ થકી દેશવાસીઓના જાન બચાવ્યાં અને 200 કરોડ રસીના ટીકા અપાવ્યા. G20 ની અધ્યક્ષતા થકી દેશને ગૌરવ અપાવ્યું અને તેના ઘોષણાપત્ર જાહેર કરાવી વૈશ્વિક નેતા તરીકે વિશ્વમાં સ્થાપિત થયા, જે અનન્ય સિદ્ધિ છે.
ગ્લોબલ લીડરની છબી :વાઈબ્રન્ટ સમિટમાં અનેકવાર દેશના ઉદ્યોગપતિઓએ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જેવા બાહોશ અને મક્કમ પ્રધાનમંત્રી હોય એવી રજૂઆત કરી હતી. 2012 ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે સક્રિય બન્યા હતા. 2013 માં તેઓને 2014 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ચહેરા તરીકે રજૂ કર્યા. દેશમાં સતત ફરી ચાય પે ચર્ચા અને ડીજીટલ ટેકનોલોજી થકી દેશની જનતાને સંબોધન કર્યું હતું. ઉપરાંત અચ્છે દિન આયેંગે નારાથી દેશના વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સિમાચિન્હ નિર્ણય લીધા છે. જેમાં નોટબંધી, 370 કલમની નાબૂદી, GST નો અમલ, રામ મંદિર નિર્માણ જેવા કાર્યો છે. વિશ્વમાં પણ નરેન્દ્ર મોદીની છબી ગ્લોબલ લીડર તરીકે સ્થાપિત થઈ રહી છે. યુક્રેન વોર હોય કે ગ્લોબલ વોર્મિગ, નરેન્દ્ર મોદીના વિચારોને ગ્લોબલ સ્તરે માનવામાં આવી રહ્યા છે. જેનાથી ભારત હવે વિશ્વ સ્તરે ગ્લોબલ તાકાત તરીકે ઉભર્યું છે.
નરેન્દ્ર મોદીની અનોખી પહેલ : નરેન્દ્ર મોદીએ હંમેશાથી ઉત્સવ અને પર્વ થકી લોકચાહના મેળવી છે. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી થકી દેશવાસીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણની ખુમારી ભરી અને દેશમાં અમૃતકાળના વિવિધ ઉત્સવોએ નવા ભારતના નિર્માણનો પાયો નાંખ્યો છે. સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિના ઉત્સવ થકી દેશ અને વિદેશમાં ભારતે ગાંધીના દેશ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવી છે. ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ નવરાત્રી પર્વ અને ઇન્ટરનેશનલ કાઈટ ફ્લાઇંગ ફેસ્ટિવલ થકી ગુજરાતના તહેવારોને ગ્લોબલ બનાવ્યાં છે. મે મહિનામાં યોજાતો રાજ્યનો સાહિત્ય પર્વ પણ એક સમયે ગુજરાતના બૌદ્ધિકો માટે આનંદ પર્વ બનતો હતો. 31 ડિસેમ્બરના રોજ કાંકરિયા પરિસર ખાતે યોજાતો કાંકરિયા કાર્નિવલ પણ નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપેલી ભેટ છે.
સુશાસના 22 વર્ષ : નરેન્દ્ર મોદીના 22 વર્ષના સુશાસનમાં ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય બન્યું છે. ગુજરાતને પહેલી બુલેટ ટ્રેન અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળી. ગિફ્ટ સિટી, ધોલેરા સર, મહાત્મા મંદિર, રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ નરેન્દ્ર મોદીની ગુજરાત અને દેશને મોટી ભેટ છે. 22 વર્ષના સુશાસન થકી નરેન્દ્ર મોદીએ દેશની યુવા પેઢીને નવો ઓપ આપ્યો, જેઓ હવે ભારત નિર્માતા બન્યા છે.
- Narendra Modi Political Journey : નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યપ્રધાનથી દેશના વડાપ્રધાન સુધીની સફર, સુશાસનના 22 વર્ષ પર એક નજર
- Pm modi on MS Swaminathan: ખરા અર્થમાં ખેડૂત વિજ્ઞાની હતાં, સ્વામીનાથને જુનૂન સાથે ભારતના કૃષિ ક્ષેત્રને કર્યુ મજબૂત - નરેન્દ્ર મોદી