ગાંધીનગર: કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી માટે EDII (એન્ટરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા) સાથે MOU કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત સરકાર વિદ્યાર્થીઓને ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર 40 હજારની સહાય આપશે.
રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત આર્ટ, સાયન્સ, કોમર્સ, બી.એડ, લો કોલેજો તથા ગ્રામ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા તથા તેઓને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્ય સરકારે 'વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી' અમલમાં મુકવામાં આવી છે. આ પોલીસીની અસરકારક અમલવારી માટે આજે MOU કરવામાં આવ્યા છે.
આ પોલીસી અંતર્ગત પ્રારંભિક તબક્કે 500 જેટલા નોડલ ઓફિસરની નિયુક્તિ કરીને કૉલેજમાં અભ્યાસ કરતા 2000 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ઉદ્યોગ સાહસિકતા નીતિ પ્રોગ્રામ હેઠળ આવરી લઇ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે 40,000 રૂપિયા જેટલી આર્થિક સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના પરિણામે વિદ્યાર્થીઓમાં રહેલા વિચારો અને સ્કીલને પ્લેટફોર્મ મળશે અને સમાજમાં નવા આંતરપ્રિન્યોર્સ તૈયાર થશે.
ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગતિશીલ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં આ પોલિસી સહાયક સિદ્ધ થવા સાથે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉદ્યોગ સાહસિકતાના લક્ષણોને વિકસિત તેમજ વિદ્યાર્થીઓને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન પ્રદાન કરશે, જેના પરિણામ સ્વરૂપે સમગ્ર રાજ્યમાં રોજગારીની તકોમાં વધારો થશે.
- બાળકોનું ધ્યાન રાખજો; નવા વાયરસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક, કોરોના સમયની તૈયારીઓ ફરી શરૂ કરાઈ
- હવે ગાયોમાં પણ IVF પદ્ધતિથી કુત્રિમ ગર્ભધાન, એક વર્ષમાં 125 જેટલા બચ્ચાને જન્મ આપવામાં સફળતા