- ગુજરાતમાં 16 હજાર હેલ્થ વકર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરાયા
- વેક્સિનેશન સેન્ટર પર મુખ્ય ત્રણ રૂમની વિશેષ વ્યવસ્થા
- એક વેઇટિંગ રૂમ, એક વેક્સિન રૂમ તથા એક ઓબર્ઝેવેશન રૂમ
- કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરકારે કરી
- વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજીયોનલ ડેપો તૈયાર કરાયા
- ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરીના 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ સફળતાપૂર્વક પૂર્ણ
ગાંધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી સંબોધન કરતા રાજ્યના નાગરિકોને આ રસીકરણ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.
વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા રૂપાણી
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જે બે વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે. તે મેડ ઇન ઇન્ડિયા છે તેનું ગૌરવ કરતા કહ્યું કે, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્છા શક્તિ સાકાર થઇ છે. એટલું જ નહીં આપણા વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મેળવી છે. તે માટે મુખ્યપ્રધાને અભિનંદન આપ્યા હતા.
હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પૂર્ણઃ રૂપાણી
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે. તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.