ગાંધીનગર: ગાંધીનગર ખાતે આગામી તારીખ 2 થી 5 ડિસેમ્બર દરમિયાન ઇન્ડિયન રોડ કોંગ્રેસનું (IRC) 82મું વાર્ષિક સત્ર યોજાશે. જે અંતર્ગત મહાત્મા મંદિર ખાતે આયોજિત ટેકનીકલ પ્રદર્શનનો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે શુભારંભ કરાવ્યો હતો. મંત્રી ઋષિકેશ પટેલે તા. 1 થી 5 ડિસેમ્બર સુધી ચાલનાર આ પ્રદર્શનની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.
આશરે ૧૦,૫૦૦ ચો. મીટર વિસ્તાર અને બે હોલમાં રજૂ કરવામાં આવેલા આ ટેક્નિકલ પ્રદર્શનમાં દેશ-વિદેશની 120થી વધુ કંપનીઓ જોડાઈ છે. જે પૈકીની મોટાભાગની કંપનીઓ રોડ અને બ્રીજના સંલગ્ન ઉદ્યોગો સાથે સંકળાયેલી છે. આ પ્રદર્શનના માધ્યમથી મુલાકાતીઓ રોડ સુરક્ષા, એરિયલ ટ્રાફિક મેનેજમેન્ટ, બ્રીજ અને બિલ્ડિંગ ડિઝાઇનને લગતા સોફ્ટવેર તેમજ આ ક્ષેત્રથી સંબંધિત વિવિધ માહિતી અને અત્યાધુનિક ટેક્નોલોજીની માહિતી મેળવી શકશે.
'કોઇપણ દેશના આર્થિક વિકાસમાં રોડ-રસ્તાની કનેક્ટીવીટી ખુબ જ મહત્વની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ 2004માં ગુજરાતે ઇન્ડિયન રોડ કોંગ્રેસના વાર્ષિક સત્રની યજમાની કરી હતી. ત્યારબાદના 20 વર્ષમાં રોડ, ટ્રાન્સપોર્ટેશન અને બાંધકામ ક્ષેત્રે અનેક પરિવર્તનો આવ્યા છે. આજે ફરી એકવાર ગુજરાત ઇન્ડિયન રોડ કોંગ્રેસના વાર્ષિક સત્રની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે આ પ્રદર્શન દેશ-વિદેશની વિવિધ કંપનીઓ અત્યાધુનિક શોધ-સંશોધનોથી વિકસાવેલી નવીન તકનીકોના આદાન-પ્રદાન માટેનું શ્રેષ્ઠ માધ્યમ બનશે.' -ઋષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી
મંત્રીએ ઉમેર્યું હતું કે, વિશ્વમાં રોડ-રસ્તા કનેકટીવીટીમાં અમેરિકા પ્રથમ, ચીન દ્વિતીય અને ભારત તૃતીય સ્થાને હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ભારતે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે, જે ભારત માટે ગર્વની વાત છે. જે દેશના રોડ પરિવહન માળખું સુવિકસિત હોય, એ દેશનો વિકાસ વેગવંતો બને છે. ભારતના વિકાસમાં પણ રોડ પરિવહનનું ખુબ જ મહત્વ રહેલું છે. આજે ભારતના કુલ પબ્લિક ટ્રાન્સપોર્ટનું 75 ટકા પરિવહન રોડ મારફત થાય છે, જ્યારે માલ-સામાન પરિવહનનું 65 ટકા ટ્રાન્સપોર્ટેશન પણ રોડ મારફત જ થાય છે.
ગુજરાતના એન્જીનીયરીંગ ક્ષેત્રના ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજીને જાણવા માટેનો આ ઉત્તમ અવસર છે. વિદ્યાર્થીઓ આ ટેકનોલોજીથી અવગત થઇ દેશના વિકાસમાં સહભાગી થાય, તેવો મંત્રીએ અનુરોધ કર્યો હતો.
- 2047 સુધીમાં ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે : અમિત શાહ
- મલેશિયામાં ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન