ગાંધીનગર શહેરના સેક્ટર 16માં આવેલા ખાદી ભંડારમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાદીની ખરીદી કરવા આવ્યા હતાં. તે સમયે ગાંધીનગર સ્ટેમ્પ એસોસિએશન દ્વારા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સ્ટેમ્પનો કાળો કાયદો બંધ કરો ના પ્લેકાર્ડ દર્શાવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાદી ખરીદી કરવા આવ્યા ત્યારથી પરત ગયા ત્યાં સુધી સ્ટેમ્પ વેન્ડરોએ મૌન રહીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શિક્ષણ પ્રધાન ખાદી ખરીદીને બહાર નીકળી રહ્યા હતા. તે દરમિયાન સ્ટેમ્પ વેન્ડર દ્વારા રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ શિક્ષણપ્રધાન વિરોધ જોઈને સીધા જ પોતાની કારમાં બેસી ગયા હતા.
સ્ટેમ્પ વેન્ડરોનો વિરોધ જોઈ શિક્ષણપ્રધાને જવાબ આપવાનો ટાળ્યો - સ્ટેમ્પનો કાળો કાયદો
ગાંધીનગર: બીજી ઓકટોબર ગાંધી જયંતીના દિવસે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગર સેક્ટર 16માં આવેલા ખાદી ભંડારમાં ખરીદી કરવા આવ્યા હતા. સરકાર દ્વારા ફિઝિકલ સ્ટેમ્પ બંધ કરીને ઈ-સ્ટેમ્પનો કાયદો લાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગર સ્ટેમ્પ એસોસિએશન દ્વારા કાળા વાવટા ફરકાવી પ્લેકાર્ડ દર્શાવ્યા હતા. ખાદી ખરીદીને બહાર નીકળેલા શિક્ષણ પ્રધાને સ્ટેમ્પ વેન્ડરનો જવાબ આપવાનો ટાળીને ઉભી પૂંછડીએ ભાગ્યા હતા.
ગાંધીનગરમાં સ્ટેમ્પ વેચાણ કરતા સુનિલ પરીખે કહ્યું કે, સ્ટેમ્પ પ્રથા દાખલ કરાયા બાદ અમારું કમિશન ઘટાડી દેવામાં આવ્યું છે. જ્યારે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે સરકાર દ્વારા આ કારસો રચવામાં આવ્યો છે. ખાનગી કંપની દ્વારા માત્ર અમને લાયસન્સ આપવામાં આવે છે. તેની સામે કંપનીને 50 પૈસા જેટલું કમિશન મળે છે. જ્યારે સ્ટેમ્પ વેચાણ કરવા માટે અમારે ઓફિસની પણ જરૂરિયાત રહે છે. પરિણામે આ વેપાર આટલા ઓછા કમિશનમાં કેમ કરી શકીશું. અમારા ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે અમે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરવા માટે આવ્યા હતા. પરંતુ તેમને અમને સાંભળ્યા ન હતા.