રાજ્યભરમાં ચકચાર મચાવનાર નિત્યાનંદ કેસને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી રાજકીય નેતાઓ લોકોને આરોપી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપી રહ્યાં છે. આ કેસ અંગે રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિત્યાનંદ આશ્રમ ખાતે બાળકો સામે થયેલા ગુના સંદર્ભે દુઃખની લાગણી વ્યક્ત કરી આરોપી સામે પગલાં લેવા સૂચના આપી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને FIRમાં દર્શાવેલ આરોપીઓ પૈકી બે સંચાલિકા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. બન્ને હાલ પોલીસ કસ્ટડીમાં છે."
આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે ઘટનાની તપાસ અમદાવાદ જિલ્લાના એસ.પી.ના સુપરવીઝન હેઠળ DYSP કે.ટી. કામરીયાને સોંપાઈ છે. તપાસ અધિકારીની મદદ માટે બે DYSP, LCB અને SOG સહિતના અધિકારીઓની વિવિધ ટીમો બનાવીને યોગ્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. તપાસ દરમિયાન મળેલી વિગતો અને પુરાવાઓને ધ્યાનમાં લઇ આરોપી સામે યોગ્ય દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.