નવી દિલ્હી: કોરોના વાઇરસને કારણે દેશમાં આર્થિક સંકટની સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે કોરોના સંક્રમણને કારણે લોકડાઉનમાં ઘણા ક્ષેત્રોને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ઘણા લોકોની નોકરીઓ જોખમમાં આવી છે. હજારો લોકોને તેમની નોકરી માટે જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાં કામ કરી આજીવિકા મેળવતાં વર્ગને આ રોગચાળાને કારણે ભારે સંકટનો સામનો કરવો પડ્યો છે. કોરોના લોકડાઉન દરમિયાન મનરેગા યોજના લાખો લોકો માટે દેવદૂત સમાન બની છે.
ચાલુ વર્ષના પ્રથમ 5 મહિના દરમિયાન નવા 83 લાખથી વધુ પરિવારોને મનરેગા હેઠળ જોબકાર્ડ આપવામાં આવ્યા છે. આ જોબકાર્ડ 1 એપ્રિલ 2020થી 3 સપ્ટેમ્બર 2020 સુધી આપવામાં આવ્યાં છે. આ ડેટા નરેગા પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ સમગ્ર 2019-20 વર્ષમાં જાહેર કરાયેલા નવા 64.70 લાખ જોબકાર્ડમાં 28.32 ટકાનો વધારો છે. મહત્વનું છે કે, એપ્રિલ 2020થી ઓગસ્ટ, 2020 સુધી મનરેગા અંતર્ગત કેન્દ્ર સરકારે વિવિધ ભંડોળ આપ્યું છે. જેમાં ગુજરાતે કુલ રૂપિયા 96,885.14 લાખ ભંડોળમાંથી રૂ 78,623.67 ભંડોળ વાપર્યું છે. ગુજરાત આ ભંડોળ વાપરમાં ત્રીજા ક્રમ રહ્યું છે.
જોબકાર્ડની ઉપલબ્ધતામાં આ વધારો ત્યારે બહાર આવ્યો, જ્યારે લાખો સ્થળાંતરિત કામદારો નોકરી છોડીને પોતાના વતન પરત ગયા હતા. જાહેર થયેલા નવા 83.02 કાર્ડ્સમાંથી ઉત્તરપ્રદેશમાં મહત્તમ સંખ્યા 21.09 લાખ, બિહારમાં 11.22 લાખ, પશ્ચિમ બંગાળમાં 6.82 લાખ, રાજસ્થાનમાં 6.58 લાખ અને મધ્યપ્રદેશમાં 5.56 લાખ કાર્ડ જાહેર કરાયા છે. જો ટકાવારીની દ્રષ્ટિએ નવા જોબકાર્ડની વૃદ્ધિની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 173 ટકા થયાં છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ 154 ટકા અને રાજસ્થાન 69 ટકા સાથે બીજા-ત્રીજા ક્રમે છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર, મંગળવારે લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન પ્રશ્ન નંબર 239ના જવાબમાં મનરેગા આ માહિતી આપવામાં આવી હતી. મનરેગા એક આધારિત વેતન રોજગાર યોજના છે. ગ્રામીણ વિસ્તારમાં ઘરના દરેક પુખ્ત સભ્યની પાસે જોબ કાર્ડ હોય છે, તે યોજના હેઠળ નોકરીની માંગ માટે પાત્ર છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 86,81,928 નવા જોબકાર્ડ આપવામાં આવ્યા છે.
શું છે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી યોજના(મનરેગા)?
કેન્દ્વ સરકારે તારીખ 7 સપ્ટેમ્બર, 2005થી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ પસાર કર્યો હતો અને ફેબ્રુઆરી 2006થી આ કાયદો અમલમાં આવ્યો છે. મનરેગા યોજના ફકત વિકાસના કાર્યક્રમ નથી. સૌપ્રથમ ગ્રામીણ કુટુંબોને રોજગારી તેમના અધિકાર સ્વરૂપે પુરુ પાડી શકે તેવો કાયદો છે.
ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં કોઈ પણ કુટુંબ કે જેનાં પુખ્તવયનાં સભ્યો બિનકુશળ શ્રમ કરવા ઈચ્છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો હેતુ છે. આ યોજનાનો હેતુ ગ્રામિણ કુટુંબનાં પુખ્ત વયનાં સદસ્યો કે જેઓ બિનકુશળ કામ કરવા ઈચ્છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાનો છે.
યોજનાનો લાભ કોણ લઈ શકે?
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કુટુંબો કે જેના પુખ્તવયના સભ્યો શારીરિક શ્રમ થઇ શકે તેવું બિનકુશળ કામ કરવા ઇસિગગુક હોય તેવા દરેક કુટુંબના જીવનનિર્વાહની તકો વધારવા માટે કુટુંબદીઠ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો ઉદેશ્ય છે. ગ્રામ્ય ગરીબોને લઘુતમ રોજગારી મળી રહે.
- દુષ્કાળ અને રોજગારીના દિવસોમાં ગ્રામ્ય લોકોને કામ મળી રહે
- ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવા
- ગ્રામ્ય વિકાસમાં ઉપયોગી થઇ શકે તેવી ટકાઉ સંપત્તિ ઉભી કરાવી અને સર્વાંગી લાગતા કર્યો કરવા
યોજનાના લાભ
- સામાજિક સુરક્ષા : મનરેગા યોજના થકી રોજગારી પુરી પાડી ગ્રામ્ય વિસ્તારોમાં નિવાસ કરતાં જરૂરિયાત મંદ કુટુંબોને આજીવીકાના અવસરો આપવામાં મદદરૂપ બને છે
- આજીવીકા સુરક્ષા સાથે ગ્રામ્ય વિસ્તારમાં ટકાઉ અસ્કયામતોનું નિર્માણ
- જળસુરક્ષાની સ્થિતિમાં સુધાર અને જમીનની ઉત્પાદકતામાં વધારો
- ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કાળ નિવારણ અને પુર નિયંત્રણ
કામના પ્રમાણમાં વેતન ચુકવામાં આવે છે. આ અંગે ખાસ NREGAના શ્રમિકો માટે શ્રમિકોને વ્યાજબી વેતન મળી રહે, તે માટે તારિખ 1/4/2018થી રૂપિયા 194/ - દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં મનરેગા હેઠળ થયેલી કામગીરીના અહેવાલ...
ડાંગ જિલ્લામાં લોકડાઉન દરમિયાન મનરેગાનું કામ શરૂ થયું
3 મે - કોરોના વાઇરસના કારણે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયું અને લોકો સ્ટે હોમનું પાલન કરવા લાગ્યા. કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતા તેને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન લંબાવવુ ફરજિયાત થયું છે. સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારને જુદા જુદા ઝોન બનાવી અંશત છુટછાટ સાથે વિસ્તાર મુજબ લોકડાઉનમાં આંશિક સવલતો પણ રાખવામાં આવી છે. સરકાર દ્વારા રોજનું કામ કરીને ગુજરાન ચલાવતા લોકો માટે કોરોના વાઇરસ પ્રત્યે સાવધાની રાખી મનરેગા યોજનાના કામો શરૂ કરવામાં આવ્યા છે.