ગાંધીનગર : અડાલજ નજીક આવેલા અંબાપુર ગામથી રવિવારે સાંજે એક મર્સિડીઝ પસાર થઈ રહી હતી. જેમાં એક યુવક અને મહિલા બેઠેલા હતા. અચાનક જ આ કાર તળાવમાં ખાબકી હતી અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી. આ સમગ્ર ઘટના અંગેની જાણ થતાં સ્થાનિકોએ ગાંધીનગર ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આ તકે ફાયરની ટીમે તરવૈયાઓની મદદથી યુવકનો મૃતદેહ શોધવામાં સફળતા મેળવી હતી. જેમાં ફાયર વિભાગને તપાસ દરમિયાન યુવકનું આધારકાર્ડ, મતદાર ઓળખપત્ર તથા પાન કાર્ડ મળી આવ્યા છે. ઓળખના પુરાવાના આધારે યુવકની ઉંમર 29 વર્ષીય હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક યુવક અસારવા ખાતે જીવરાજપાર્કમાં રહેતો હોવાના પુરાવા તપાસ દરમિયાન મળ્યા છે. ઓળખના પુરાવાઓના આધારે યુવકનું નામ આનંદ ચંદ્રવદન મોદી (ઉ.વ.29) હોવાનું બહાર આવ્યું છે. યુવક સાથેની મહિલાની ઓળખને લગતા કોઈ પુરાવા હજુ સુધી સામે આવ્યા નથી અને મોડી સાંજ સુધી મહિલાને શોધવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા.