ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ 66 સભ્યોની આ સમિતિમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત જે તજ્જ્ઞોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સિયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુકતિ કરી છે. આજે યોજાયેલી આ કમિટીની પ્રથમ બેઠકમાં આ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
લોકડાઉનમાં ઉદ્યોગો અને વેપાર બાબતે આર્થિક પુનઃનિર્માણ પગલાં લેવા બાબતે બેઠક યોજાઈ
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-2019ની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પુન:નિર્માણ પગલાં અને રાજકોષીય-ફિઝકલ પુનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની બેઠક સીએમ નિવાસસ્થાને યોજવામાં આવી હતી. જેમાં કમિટીના અધ્યક્ષ ડૉ.હસમુખ અઢિયાએ પોતાનો વચગાળાનો અહેવાલ રજૂ કર્યો હતો.
આર્થિક પુનઃનિર્માણ પગલાં બાબતે બેઠક યોજાઇ
આજની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિપ્રધાન આર. સી. ફળદુ, મહેસૂલપ્રધાન કૌશિક પટેલ તેમજ ઊર્જાપ્રધાન સૌરભ પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા. આ ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.