રેશનિંગ દુકાનધારકોની હડતાળ મુલતવી, પ્રહલાદ મોદીએ શું કહ્યું જુઓ ગાંધીનગર :ગુજરાતના સસ્તા દરના અનાજની દુકાનના વેપારીઓની માંગ અંગે છેલ્લા 2 દિવસથી સરકાર અને વેપારી એસોસિએશન વચ્ચે મંત્રણા ચાલી રહી હતી. જોકે આ વાતનો કોઈ ઉકેલ ન આવતા ગઈકાલે મોડી સાંજે આંદોલન અને હડતાળ યથાવત રાખવાની જાહેરાત સસ્તા દરના અનાજની દુકાન એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ કરી હતી. ત્યારે આજે ફરીથી આ અંગે બેઠક યોજાઈ હતી, જેમાં હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વેપારી એસોસિએશનનો નિર્ણય :રાજ્ય સરકાર સાથેની બેઠક બાદ સસ્તા દરના અનાજની દુકાન એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ નિવેદન આપ્યું હતું કે, છેલ્લા બે દિવસથી સરકાર સાથે મંત્રણા ચાલી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ત્યારે આજે ફરીથી સરકારે મંત્રણા માટે બોલાવ્યા હતા. દિવાળીનો સમય છે ત્યારે કોઈપણ ગરીબ નાગરિક હેરાન ન થાય તેને ધ્યાનમાં લઈને આંદોલન સમેટવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તહેવારો અને લોકોની માંગણીને ધ્યાનમાં લઈને હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળી પછી ફરીથી એક બેઠક કરીને વ્યાજબી માંગણીને ધ્યાનમાં રાખીને વ્યાજબી ઉકેલ લાવવામાં આવશે. -- કુંવરજી બાવળીયા (અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન)
પ્રહલાદ મોદીની ચીમકી :પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું કે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે કે, 15 દિવસમાં એટલે કે દિવાળી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર ફરીથી ચર્ચા વિચારણા કરીને મહત્વના નિર્ણયો જાહેર કરશે. જો સરકાર દ્વારા કાચું કાપવામાં આવશે તો દિવાળી પછી પણ અમે આંદોલન અને સસ્તા દરના અનાજની દુકાનો બંધ રાખીને હડતાળ યથાવત રાખીશું. પરંતુ હાલમાં અમે આ હડતાળ મુલતવી રાખીએ છીએ.
દિવાળી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર ફરીથી ચર્ચા વિચારણા કરીને મહત્વના નિર્ણયો જાહેર કરશે. જો સરકાર દ્વારા કાચું કાપવામાં આવશે તો દિવાળી પછી પણ અમે આંદોલન અને સસ્તા દરના અનાજની દુકાનો બંધ રાખીને હડતાળ યથાવત રાખીશું. -- પ્રહલાદ મોદી (પ્રમુખ, સસ્તા અનાજ દરની દુકાન એસોસિએશન)
ફરીવાર ચર્ચા થશે ?રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ આંદોલન બાબતે નિવેદન આપ્યું હતું કે, છેલ્લા બે દિવસથી હડતાળનો મુદ્દો હતો અને સતત મીટીંગ કરવામાં આવી હતી. ત્યારે તહેવારો અને લોકોની માંગણીને ધ્યાનમાં લઈને હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળી પછી ફરીથી એક બેઠક કરીને વ્યાજબી માંગણીને ધ્યાનમાં રાખીને વ્યાજબી ઉકેલ લાવવામાં આવશે. જ્યારે રાજ્ય સરકારે સસ્તા દરના અનાજ દુકાનદારોને વિશ્વાસ આપ્યો છે કે, આ બાબતે ખરેખર નક્કર નિર્ણય લેવામાં આવશે. ઉપરાંત ભવિષ્યમાં પણ દુકાનદારો હડતાલ ન કરે તે રીતે નિર્ણય રહેશે.
ક્યાં મુદ્દે હતી હડતાલ ? છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સસ્તા દરના અનાજ દુકાનદારો હડતાલ ઉપર હતા. ત્યારે કયા મુદ્દે હડતાળ ઉપર હતા તેની વાત કરવામાં આવે તો 300 થી ઓછા કાર્ડધારકો ધરાવતી દુકાનોને રાજ્ય સરકાર રુ. 20,000 કમિશન ચૂકવે છે. પરંતુ 300 થી વધુ કાર્ડધારક ધરાવતા સસ્તા અનાજના દુકાનદારોને સરકાર કોઈ કમિશન આપતું નથી. ત્યારે સરકાર આ કમિશન આપે તે મુદ્દે હડતાલ હતી, પરંતુ હવે સમગ્ર મામલે હડતાલ હાલમાં સમેટી લેવામાં આવી છે. ઉપરાંત આ અંગે દિવાળી બાદ નિર્ણય લેવામાં આવશે.
- Ration Shop Owners Strike : સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે ? વેપારીઓ-સરકાર વચ્ચેની બેઠકનો શું આવ્યો નિર્ણય જાણો...
- Ration Shop Owners Strike : રાજકોટ જિલ્લાના સસ્તા અનાજ દુકાનધારકો ફરી હડતાલ પર ઉતર્યા, માંગ પૂરી થઈ છતાં શું સમસ્યા આવી જાણો...