રાજ્યમાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ સંચાલિત કૉલેજોની હાલત કફોડી થઈ રહી છે. આ કૉલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે..પરંતુ પ્રોફેસરના અભાવે લાખો રૂપિયા ફી ભરીને પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને જાતે અભ્યાસ કરવો પડે છે. મેડિકલ કૉલેજોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. ટીમ ઇન્સ્પેક્શન કરવા આવે ત્યારે પૂરતો સ્ટાફ અને દર્દીઓ હાજર હોવા જરૂરી છે. સ્ટાફ નહીં હોવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોફેસરોની બદલી કરવામાં આવે છે.
વડનગરની મેડિકલ કૉલેજમાં થશે મેડિકલ કાઉન્સિલનું ઇન્સ્પેક્શનઃ 25 અધ્યાપકોની બદલી - નરેન્દ્ર મોદીના વતનમાં આવેલી મેડિકલ કોલેજ
ગાંધીનગર:રાજ્ય સરકાર પોતાની વાહવાહી માટે મેડિકલ કૉલેજ મંજુર કરી રહી છે. મોટાભાગની કૉલેજોમાં અધ્યાપકોની ભરતી થઈ નથી. આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં આવેલી મેડિકલ કૉલેજમાં MCIનું ઇન્સ્પેક્શન આવવાનું હોવાના કારણે અલગ અલગ મેડિકલ કૉલેજના 25 પ્રોફેસરોની બદલી કરાઈ છે. જેમાં ગાંધીનગરના 11 તબીબોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં આવેલી મેડિકલ કૉલેજમાં આગામી સમયમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવશે. અગાઉ હિંમતનગરમાં આવેલી મેડિકલ કૉલેજમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, ત્યારે અલગ અલગ કૉલેજમાંથી 90 જેટલા પ્રોફેસરોની બદલી કરી દેવામાં આવી હતી. પરિણામે એક કૉલેજને બચાવવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના દર્દી રઝળી પડયા હતા. 25 પ્રોફેસરોની બદલી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર 11, પાટણ 3, વલસાડ 4, અમદાવાદની સોલા હોસ્પિટલમાંથી 5 અને હિંમતનગરના 2 પ્રોફેસરને બદલી કરાઈ છે.