લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરિક્ષાનું પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવે તેની થોડી જ મીનિટો પહેલા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાદ રાજ્યભરમાં ભરતી પ્રક્રિયાને લઇને અનેક સવાલો ઉઠ્યા હતાં. પોલીસ દ્વારા પેપર લીક કરનારા સુત્રોધારને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેના મહિના બાદ પરિક્ષા લેવામાં આવી હતી. પરંતુ, પરિક્ષા લેવાયા બાદ એક વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતાં પણ ગોટાળા થયા હોવાના આક્ષેપો હજૂ યથાવત છે અને ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં પણ ન આવતા ઉમેદવારોનું ભાવિ રૂંધાયુ છે.
લોકરક્ષક ભરતી પ્રક્રિયાને સવા વર્ષ પૂર્ણ, પરિણામ જાહેર ન થતાં ઉમેદવારોમાં રોષ - ક્લાર્કની પરિક્ષામાં ગોટાળા
ગાંધીનગરઃ રાજ્યમાં લોકરક્ષક ભરતી શરૂઆતથી જ વિવાદાસ્પદ રહી છે. પેપર લીક થયા બાદ તમામ પ્રક્રિયાને શુક્રવારે સવા વર્ષ જેટલો સમય થયો હોવા છતાં પરિણામની અંતિમ યાદી જાહેર કરવામાં આવી નથી. જેના કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે શુક્રવારે ગાંધીનગરના બિરસા મુંડા ભવનમાં શિડ્યુઅલ ટ્રાયબલ (ST) કેટેગરીના ઉમેદવારોએ પરિણામ જાહેર કરવા માટે રજૂઆત કરી હતી. વિભાગ દ્વારા સૂચનાઓ મુકવામાં આવી રહી છે કે, પ્રક્રિયા પૂર્ણ થવાની આરે છે. પરંતુ, કોઇ ચોક્કસ પરિણામ ઉમેદવારોને મળતું નથી.
સરકારની આવેલી મોટાભાગની ભરતીઓમાં ગોટાળા થયા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ગાંધીનગર મહાનગર પાલિકામાં લેવાયેલી ક્લાર્કની પરિક્ષામાં ગોટાળા થયા હોવાના આક્ષેપો છે. તેવા સમયે વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં પરિણામ જાહેર નહીં કરાતા શંકાના વાદળો ઘેરાયા છે. અનેક ભરતીઓ આ રીતે લાંબો સમય ખેંચીને તેમાં મળતિયાઓને ગોઠવી દેવાના કારસા પર રચાતા હોય છે, ત્યારે ST કેટેગરીના ઉમેદવારેઓએ શુક્રવારે ગાંધીનગરમાં આવેલા બિરસા મુંડા ભવનની કચેરીનો ઘેરાવો કર્યો હતો.
લોકરક્ષક ભરતીના ઉમેદવારોના આક્ષેપ છે કે, એક વર્ષ થવા છતાં પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે અને અનેક ઉમેદવારો વય મર્યાદાની બોર્ડર પર આવીને ઉભા છે.