રાજ્યના 285 ગામમાં 'તીડનો ત્રાસ', સરકાર ચૂકવશે 31.50 કરોડની સહાય
ગાંધીનગર: બનાસકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી તીડે ખેડૂતોના ઊભા પાક પર આક્રમણ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી દવાનો છંટકાવ કરીને તીડના આક્રમણ પર રોક લગાવવામાં આવી હતી. જોકે બનાસકાંઠાના પાટણ જિલ્લામાં તીડના આક્રમણથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. ત્યારે રાજ્યના કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે, નુકસાનગ્રસ્ત વિસ્તારોનો સર્વે થઈ ચૂક્યો છે. જેમાં રાજ્ય સરકારે રૂપિયા 31.50 કરોડની સહાયની જાહેર કરી છે. જે ટૂંક સમયમાં ખેડૂતોને ચૂકવવામાં આવશે.
રાજ્યના કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ તીડથી થયેલા નુકસાન અંગે જણાવ્યું હતું કે, બનાસકાંઠાના તાલુકાઓમાં તીડથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તીડને કારણે જીરું, બાજરો અને એરંડાના પાકને મોટું નુકસાન થયું છે. આ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ સકારાત્મક વલણ રાખીને 15 તાલુકાના 285 ગામના ખેડૂતોને નુકસાન બદલ સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રતિ 2 હેકટર દીઠ રૂપિયા 37 હજારની સહાય SDRFના નિયમ પ્રમાણે ચૂકવવામાં આવશે. SPFના નિયમ પ્રમાણે 30 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા જ ખેડૂતોને સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 11 હજાર જેટલા ખેડૂતોને થયેલા નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં સહાય ચૂકવવામાં આવશે. આ માટે ખેડૂતોએ ફક્ત સાદી અરજી કરવાની રહેશે.