- રાજ્યમાં અને અમદાવાદમાં લોકડાઉનની વાતો ફક્ત અફવા
- સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ
- અમદાવાદમાં હજુ 40 ટકા કોવિડ બેડ ખાલી
ગાંધીનગર : રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ કોરોના ગાઈડલાઇન્સની અવગણના કરીને સામાજિક અંતરના લીરે લીરા ઉડાડયા હતા. તહેવારો બાદથી જ ગુજરાતમાં કોરોનાનો આંક વધવાની શક્યતાઓ સેવાઇ રહી હતી ત્યારે દિવાળીના તહેવારો બાદ હવે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં કોરોના પોઝિટિવ કેસ વધુ સામે આવ્યા છે ત્યારે સોશીયલ મીડિયા રાજ્ય સરકાર ફરીથી અમદાવાદ શહેરમાં લોકડાઉન લાવશે તેવી વાતો વહેતી થઈ હતી.
જેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેઠકમાં રાજ્ય સરકારે આ બાબતે કોઈ જ પ્રકારના નિર્ણય કર્યો નથી અને લોકડાઉન થવાનું નથી તેવી જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા મેસેજ માત્ર અફવા
રાજ્યના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જાહેરાત કરી છે કે સોશીયલ મીડિયામાં અમદાવાદ શહેરમાં લોકડાઉન થવાની વાતો વહેતી થઇ છે જે ફક્તને ફક્ત અફવાઓ જ છે તંત્ર દ્વારા લોકડાઉન મુદ્દે કોઇ જ વિચારણા કરવામાં આવી નથી જેથી લોકોને આવી અફવાથી પણ દૂર રહેવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે..
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું
દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદીઓએ ઘરની બહાર નીકળી બજારમાં ખરીદી દરમિયાન તેમજ હરવા-ફરવા દરમિયાન માસ્ક પહેરવાનું, સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું વગેરે કોવિડ પ્રોટોકોલની મહત્વની બાબતો સામે બેજવાબદારીભર્યું વર્તન રાખ્યું હતું તેમજ તહેવારોના દિવસો દરમિયાન બહારગામ જવાના અને બહારથી લોકો શહેરમાં પ્રવેશવાના કારણે મોટા પ્રમાણમાં થયેલ અવર-જવર જેવી બાબતોને કારણે પણ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ કેસમાં વધારો થયો હોવાનું રાજ્યના સિનિયર અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા એ સ્વીકાર્યું છે..