રાજ્યમાં વાહન વ્યવહાર કમિશ્નર તરીકે ફરજ બજાવતા સોનલ મિશ્રાની પુત્રી ગાંધીનગર RTO કચેરીમાં લાયસન્સ મેળવવા માટે ગઈ હતી. કચેરીની પદ્ધતિ મુજબ કમિશ્નરની દીકરીને લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા આપવા માટે બેસાડી હતી. 15 માર્ક્સની પરીક્ષામાં કમિશ્નરની દીકરી નાપાસ થઈ હતી. કોઈપણ પ્રકારની તૈયારી વિના આવેલી કમિશ્નર સોનલ મિશ્રાની દીકરી નાપાસ થતા ગુસ્સે થઈ કચેરીમાં રહેલા ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓને ધમકાવી નાખ્યા હતા.
વાહન વ્યવહાર કમિશ્નરની દીકરી લાઈસન્સની પરીક્ષામાં નાપાસ થતા અધિકારીઓનો ઉધડો લીધો - Gandhinagar RTO Office
ગાંધીનગરઃ શહેરમાં સંત્રી અને મંત્રીનો જેટલો પાવર નથી હોતો, તેના કરતાં વધારે તેમના વારસદારોનો હોય છે. શહેરમાં તેમના દીકરા દીકરીઓ રોફ મારતા ફરતા હોય છે. ત્યારે વાહનવ્યવહાર કમિશ્નરની દીકરીએ પણ તેમની માતાના હોદ્દાનો અધિકારીઓ ઉપર રોફ જમાવ્યો હતો. ગાંધીનગર RTO કચેરીમાં લર્નિંગ લાઈસન્સની પરીક્ષામાં કમિશ્નરની દીકરી નાપાસ થતા RTO કચેરીના કર્મચારીઓ અને વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીના અધિકારીઓનો ઉધડો લીધો હતો.
RTO કચેરીના અધિકારી કર્મચારીઓને ધમકાવ્યા બાદ ઓછું હોય તેમ જૂના સચિવાલયમાં આવેલી વાહન વ્યવહાર કમિશ્નર કચેરીમાં બેસતા અધિકારીઓનો પણ ઉધડો લીધો હતો. આ બાબતથી ગાંધીનગર RTO કચેરીના અધિકારીઓ ડઘાઈ ગયા હતા. હાલમાં એઆરટીઓ તરીકે ફરજ બજાવતા ચિંતન પટેલે કમિશ્નરની દીકરી હોવાથી લૂલો બચાવ કરતા કહ્યું કે, કમિશ્નરના દીકરી પરીક્ષા આપવા આવ્યા હતા અને નાપાસ થયા હતા તે બાબત મારા ધ્યાને છે, પરંતુ કર્મચારીઓને ધમકાવી નાખ્યા હોય તેવી કોઈ પ્રકારની ઘટના બની ન હતી.
આ બનાવની જાણ કમિશ્નર કચેરીમાં થતા દિવસભર કર્મચારીઓએ ફફડાટમાં પસાર કર્યો હતો. જ્યારે સમગ્ર કચેરીમાં આ બાબતની ચર્ચા સાંભળવા મળતી હતી. ગાંધીનગર RTO કચેરીમાં અનેક ગફલા કરવામાં આવે છે. વાહન પાર્સિંગમાં ડીલરો પાસે ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જે ડીલરનું ફોર્મ RTO પાસે પહોંચે તેની ઉપર ડીલરનું નામ લખેલું હોય છે. મહિનાના અંતમાં તેનો હિસાબ કરવામાં આવે છે. આ તમામ બાબત વાહન વ્યવહાર કમિશ્નરના અધિકારીઓ જાણી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જો કમિશ્નર કડકાઈથી પગલાં ભરે તો, કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સસ્પેન્ડ પણ થઈ શકે છે. તેથી ગાંધીનગર RTO કચેરીના કર્મચારીઓ કંઈ બોલવા તૈયાર નથી.