સાબરમતી નદીને કિનારે દોલારાણા વાસણા ગામની સીમમાં ગઇકાલ રવિવારે સવારે દીપડાએ પાડાનું મારણ કર્યું હતું. જે બાદ દીપડાના પગના નિશાન પ્રમાણે વન વિભાગની ટીમે દીપડાને પૂરવા માટે પાંજરા ગોઠવ્યા હતા. સોમવારે વહેલી આખરે આદમખોર દીપડાને પકડી લેવાયો હતો.
ગાંધીનગર તાલુકામાં આવેલા નદીકિનારા વિસ્તારના ગામોમાં છેલ્લા એક વર્ષથી આદમખોર દીપડો આતંક મચાવી રહ્યો હતો. અનેક પશુઓના મારણ કરતા પશુપાલકો પરેશાન હતાં. દિપડો ગમે ત્યારે આવતો હોવાથી ગ્રામજનો ભયભીત રહેતા હતા. રવિવારે વહેલી સવારે દોલારાણા વાસણા ગામના પેટાપરુ બાપુપુરામાં દીપડો ત્રાટક્યો હતો. ગામના છેવાડે રહેતા તલાજી ભવાનજી ઠાકોરના વાડામાં ભેસના બચ્ચાનું મારણ કર્યું હતું હતું. પાડું એકાએક ભાભરવા લાગતા આજુબાજુના લોકો જાગી ગયા હતા. ગ્રામજનો પહોંચે એ પહેલાં જ દીપડો પલાયન થઇ ગયો હતો. ગામ લોકોએ વહેલી સવારે ખેતરમાં જતા પહેલા તેમના ખેતરમાં પડેલા દીપડાના પંજા પણ જોયા હતા.