ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી સમયે જે ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે એ લોકોએ સોદાબાજી વિના કે રૂપિયા ખાધા વિના રાજીનામા આપ્યા હોય એવું હું માનતો નથી. જોકે, શરમ એ વાતની પણ છે કે, રાષ્ટ્રવાદની વાતો કરનારા રાજકીય પક્ષો પણ આવા ધારાસભ્યોને મોં માગ્યા દામે ખરીદવા તૈયાર બન્યા છે. આ રીતે ખરીદનારા અને વેચનારા બંન્નેનું શું કહેવું!
ધારાસભ્યોના રાજીનામા અંગે જીગ્નેશ મેવાણીએ આપી પ્રતિક્રિયા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "આકરા શબ્દપ્રયોગ બદલ માફ કરજો, પણ એ હકીકત છે કે, ભારતીય જનતા પાર્ટી જાણે કોઈ ગારબેજ-યાર્ડ કે આખા ગામનો ઉકરડો હોય એમ તમામ કચરો સ્વીકારવા સદા તૈયાર હોય છે. પ્રશ્ન તો એ છે કે, ધારાસભ્યોને 50-50 કરોડમાં ખરીદવાના રૂપિયા ભાજપ પાસે આવે છે ક્યાંથી! તમે તો પ્રભુ શ્રી રામના પરમભક્તો હોવાનો દાવો કરો છો, તમે તો ભારત માતાના સિપાહી હોવાનો પણ દાવો કરો છો, તમે તો રાષ્ટ્રભક્તિના ઠેકેદારો પણ છો - તો તમારી પાસે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના આ કરોડો રૂપિયા આવે છે ક્યાંથી? ભારતીય જનતા પાર્ટી ફકત એક વાતનો જવાબ આપે કે, ભાજપના વર્ષોથી કામ કરતાં કાર્યકરો - નેતાઓએ નવા જોડાયેલા કોંગ્રેસના આ દોગલાં નેતાઓ માટે પાથરણા બિછાવવાવા ?"
આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ આ તમામ ધારાસભ્યો પર નિશાન સાધતા કહ્યું હતું કે, ગુજરાતની જનતા એ વેચાવા તૈયાર થયેલા આ ધારાસભ્યોને સવાલ પૂછવાની જરૂર છે કે, તમે આ દેશની જનતાને સમજો છો શું? તમારા મત વિસ્તારના જે લોકોએ ખોબે-ખોબેે વોટ આપી તમને વિધાનસભામાં સ્થાન અપાવ્યું એ જનતા પ્રત્યે તમારી કોઈ વફાદારી છે કે કેમ?
આખરે ધારાસભ્યોને શરમ-લાજ કે બીક કેમ નથી? કેમકે, સ્વતંત્રતાના આટલા વર્ષો દરમિયાન જેની પર ખૂનના, લૂંટના, બળાત્કારના, ભ્રષ્ટાચારના આરોપ હોય તેવા લોકોને સરપંચોથી લઈને વડાપ્રધાન સુધીને આપણે પોતાની નૈતિકતા નીચી કરીને પણ જીતાડતાં જ રહ્યા છીએ. હવે જયારે નેતાઓને ખબર જ છે કે, તમે ગમે તેવા કાળા કામ કરો તો પણ લોકો તમને ચૂંટીને મોકલે જ છે, તો નેતાઓને લાજ-શરમ કે બીક બચે ક્યાંથી!
આ ક્લચર માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર આપણે જ છીએ. જેનામાં સત્તા-સંપત્તિની લાલચ ન હોય, જેને છેલ્લામાં છેલ્લામાં માણસનું કામ છેલ્લા શ્વાસ સુધી કરવું હોય, જેનામાં બંધારણની વિચારધારા હોય એવા લોક સેવકોને આપણે જ શોધીને પંચાયતથી સંસદ સુધી ચૂંટીને મોકલીશું નહીં ત્યાં સુધી આ સ્થિતિ બની રહેવાની છે. આ સંજોગોમાં આપણે ગુજરાતની સાડા 6 કરોડ જનતાએ સંકલ્પ કરવાનો છે કે હવે આ ધંધો નહીં થવા દઈએ.