ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે અને દિવસેને દિવસે કેસના આંકડા વધી રહ્યાં છે. આ સાથે જ અમદાવાદમાં કોવિડ-19માં મોતનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને સવાલ કર્યા હતા કે, આરોગ્યપ્રધાન અને આરોગ્ય સચિવ કેટલી વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનાવેલી 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલની મુલાકાત લીધી છે, ત્યારે હાઇકોર્ટની ટકોર બાદ આજે ફરી વખત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
જયંતિ રવિએ લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત મંંગળવારે સિવિલ હોસ્પિટલ સંકુલ અમદાવાદમાં 1200 બેડની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં આઈ.સી.યુ. અને કોરોના વૉર્ડની મુલાકાત લઈને કોરોના પોઝિટિવ દર્દીઓના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી. તેમણે દર્દીઓને અપાતી સારવાર અને સવલતોથી સંતોષ વ્યક્ત કર્યો હતો. ડૉ.જયંતી રવિએ કોરોના વૉર્ડની મુલાકાત પછી જણાવ્યું હતું કે, કોરોના વોર્ડમાં સિવિલ હોસ્પિટલના જ નર્સ સરલાબેન મોદી સારવાર લઇ રહ્યાં છે. સરલાબેન મોદીની મુલાકાત વખતે તેમણે કહ્યું કે, "મને હોસ્પિટલમાં સારામાં સારી સારવાર મળી રહી છે અને હું જલદીથી સાજી થઈને પાછી કોવિડ હોસ્પિટલમાં જ કામ કરવા તત્પર છું." હોસ્પિટલની નર્સના આવા પ્રતિસાદથી ડૉ. જયંતી રવિએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
ડૉ. જયંતી રવિ અને જયપ્રકાશ શિવહરે કોરોના વૉર્ડમાં સેવારત ડોક્ટર, પ્રોફેસર, રેસીડન્ટ, ઈન્ટર્ન, નર્સ અને સફાઈ કર્મચારીઓ તમામને વ્યક્તિગત મળ્યા હતા અને તેમની સેવાઓને બિરદાવી હતી. તેમણે તમામને સાંભળીને વધુ સારી સેવાઓ માટેના સૂચનો પણ આવકાર્યા હતા. તેમણે તમામ સંસાધનોની પૂર્તતા પણ સુનિશ્ચિત કરી હતી. દર્દીઓ અને સ્ટાફ સાથેની રૂબરૂ મુલાકાત વેળાએ તમામના પરિવારજનોની સુવિધા પણ સચવાય એ માટે હોસ્પિટલ તંત્રએ લીધેલા તમામ પગલા અને હૉસ્પિટલની સંવેદનશીલતાને પણ તેમણે બિરદાવી હતી.