ગાંધીનગર : 2024માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે તે પહેલાં ગુજરાતમાં રાજનીતિ તેજ બની રહી છે. તાજેતરમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પડેલા ફટકા બાદ ભાજપનું નેતૃત્વ ચોકન્નું બની ગયું હોય તેમ પોતાના પૂર્વ સાથીદારો જેઓ નારાજ થઇને અન્ય પક્ષોમાં કે અપક્ષ બની ગયાં છે તેમને પરત લાવવાની કસરત કરી રહ્યો છે. આજે મહીસાગર જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ જે.પી પટેલ તેમજ મધ્ય ગુજરાત આમ આદમી પાર્ટીને ખોખલું કરવા બાલાસિનોરથી આમ આદમી પાર્ટીના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં હતાં.
ભાજપમાં હું 30 વર્ષથી સૈનિક હતો અને છું, આગામી લોકસભામાંની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મુકીને અમારા કાર્યકરો ચૂંટણીની કામગીરીમા લાગી જશે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ન માત્ર આપણા પરંતુ વિશ્વના નેતા છે તેમની સાથે કામ કરવાનું અમારુ ગૌરવ છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ અમને પ્રવેશ આપ્યો તે બદલ આભાર વ્યકત કરુ છું...જે.પી.પટેલ(ભાજપમાં જોડાયેલા નેતા)
અંગત કારણોસર અપક્ષ ચૂંટણી લડી હતી: આ કાર્યક્રમમાં જે.પી.પટેલે સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં આજે મારી સાથે લૂણાવાડા વિઘાનસભાના 500 કાર્યકર્તાઓ જેમાં તાલુકા પંચાયતના સભ્યો,કોર્પોરેટર,સંગઠનના હોદેદારોએ ભાજપમા પુન: પ્રવેશ મેળવ્યો છે. દેશના કર્મઠ પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્ર અને વિકાસની વિચારધારાથી ભારતીય જનતા પાર્ટી દિવસેને દિવસે મજબૂત થઇ રહી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકરો વિકાસના કામને વેગ આપવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. હું ભાજપની વિચારસરણી સાથે જોડાયેલો છું અને ગત ટર્મમાં મારા અંગત કારણોસર અપક્ષ ચૂંટણી લડ્યો હતો. મારા વિચારો ભાજપની વિચારસરણીને અનુસરે છે, જોકે હું શરૂઆતથી જ ભાજપની વિકાસલક્ષી રાજનીતિ અને જનયોજનાઓથી પ્રભાવિત છું અને આવનારા સમયમાં પક્ષ સાથે કામ કરવા બંધાયેલો છું.