ગાંધીનગર મામલતદાર સુનિલ રાવલે કહ્યુ કે, કોપર બનાવવા માટે જલદ પ્રવાહીનો ઉપયોગ કરતી ફેક્ટરી ચલાવવા માટે સરકારી તંત્ર પાસેથી કોઇ પણ પ્રકારની પરવાનગી મેળવવામાં આવી ન હતી. તે માટે માન્ય લાયસન્સ પણ ધારણ કરવામાં આવ્યુ ન હતું. તે ઉપરાંત કેમિકલથી ભરેલા સંખ્યાબંધ હોજનું જલદ પ્રવાહી નજીકના ખેતરોમાં ઠાલવી દેવામાં આવતુ હતું. તેના કારણે સેંકડો વિઘા ખેતીની જમીનની ફળદ્રુપતા નષ્ટ થવાનો ભય ઉભો થયો છે. તેમજ કેમિકલના કારણે ગ્રામ્ય પ્રજા અને પશુઓનું આરોગ્ય જોખમાય તેવી ગંભીર બેદરકારી સામે આવતા જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યની સૂચનાના આધારે જલુંદ ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
જલુંદની સીમમાં ગેરકાયદે ધમધમતી કેમિકલની ફેક્ટરી પર તંત્રનું બુલડોઝર ફર્યું - gandhinagar chemical factory news
ગાંધીનગરઃ શહેરના જલુંદ ગામની સીમમાં છેલ્લા ઘણાં વર્ષથી ધમધમતી ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરી પર જિલ્લા કલેક્ટર કચેરીનું તંત્ર ત્રાટક્યુ હતું અને બુલડોઝર ફેરવી કેમિકલ ભરવાના સંખ્યાબંધ હોજ અને 200 લીટરના 30 ડ્રમ સહિત શેડ તેમજ કેબીનને જમીનદોસ્ત કરી દેવાઇ હતી. તે ઉપરાંત કેમિકલ વેસ્ટના 60 ટન કચરાનો નાશ કરાયો હતો. કેટલાય સમયથી ચાલતી ફેક્ટરી પર તંત્રની નજર પહેલા કેમના ગઇ તેને લઈને પણ સવાલો થઇ રહ્યા છે.
જલુંદ ગામની સર્વે નંબર-572ની જમીનમાં કેમિકલની ગેરકાયદેસર ફેક્ટરી દિનેશ મંગળદાસ પટેલ ચલાવતા હોવાનું તપાસ દરમિયાન ખુલ્યુ છે. જેથી દિનેશ પટેલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે તપાસ કરતા કોપર સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવતો હતો. આ કેમિકલ અત્યંત જલદ અને આરોગ્ય માટે જોખમી હોવાનું જણાઇ આવ્યુ છે. તેની સાથે પતરાના 2 રૂમ અને એક મોટા શેડનું બાંધકામ દૂર કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત કેમિકલ વેસ્ટનો 60 ટન વેસ્ટ પણ ઘટનાસ્થળેથી મળી આવ્યો હતો. તેનો પણ નાશ કરાયો હતો. કેમિકલ ભરવાના 200 લીટર ક્ષમતા ધરાવતા 30 નંગ ડ્રમ કબજે કરવામાં આવ્યા હતાં.