ગાંધીનગર: 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ અથવા તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવે છે. પરંતુ પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી અમદાવાદની જગ્યાએ સુરતમાં કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી સુરત ખાતે થશે, સવારે 6 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અંદાજે 1.50 લાખથી વધુ લોકો સહભાગી થશે.
એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ:રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ બાબતે રાજ્ય સરકારના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી સુરત ખાતે કરવામાં આવશે. જેમાં 1.25 લાખ લોકો સુરતના Y જંકશન રોડ પર યોગમાં જોડાશે.
75 આઇકોનીક જગ્યા પર યોગ:હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળોએ ઉજવણી કરવામાં આવશે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળ હશે. રાજ્યના 33 જિલ્લાઓના 75 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 10 ઐતિહાસિક સ્થળો, 7 ધાર્મિક સ્થળો, 17 પ્રવાસન સ્થળ સહિત તમામ જિલ્લા અને 8 તાલુકામાં યોગ કરવામાં આવશે.
વિશ્વભરમાં દર વર્ષે 21 મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’ ની થીમ પર ઉજવણી કરાશે.--- હર્ષ સંઘવી (રાજ્ય રમતગમત પ્રધાન)