ગાંધીનગર : ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતની 3 દિવસીય મલેશિયા મુલાકાત પૂર્ણ થઇ છે. બળવંતસિંહ રાજપૂતે મલેશિયાના વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ગુજરાત મુલાકાત માટે આગ્રહ કર્યો હતો.
સહકારના સંભવિત ક્ષેત્રો વિશે ચર્ચા : મલેશિયાની મુલાકાત દરમિયાન ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે મલેશિયા સરકારના રોકાણ, વેપાર અને ઉદ્યોગના માનનીય નાયબમંત્રી લિવ ચિન ટોંગ સાથે બેઠક કરી હતી. જેમાં બંને દેશો વચ્ચે સહકારના સંભવિત ક્ષેત્રો વિશે વાત કરવામાં આવી. વધુમાં તેમણે મલેશિયામાં ભારતીય હાઈ કમિશનર બી.એન. રેડ્ડી સાથે મુલાકાત કરી કુઆલાલંપુર વિશેના તેમના અનુભવો શેર કર્યા. મુલાકાત દરમિયાન ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા વિશે ચર્ચા કરી અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
ગુજરાતમાં પામના વાવેતરની તક : ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત પામ ઓઈલ પ્લાન્ટેશન અને રિફાઈનિંગની સંસ્થાઓના વડાઓ અને વિવિધ કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે પણ બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન તેમણે પામના વાવેતર અને સંશોધન અને વિકાસ માટે ગુજરાતમાં વિવિધ તકો પર પ્રકાશ પાડ્યો હતો અને ગુજરાત અને મલેશિયા વચ્ચે પામ ઓઈલ સેક્ટરની વિવિધ તકો પર ચર્ચા કરી હતી.
સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત : મુલાકાતના છેલ્લા દિવસે ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે મલેશિયાના પેનાંગમાં માઈક્રોનની વર્લ્ડ ક્લાસ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન માઈક્રોનની ટીમે ગુજરાતના સાણંદમાં ભારતની સૌપ્રથમ સેમિકન્ડક્ટર સુવિધાની વિગતો શેર કરી અને આ ક્ષેત્રની અદ્યતન ટેક્નોલોજીઓનું પ્રદર્શન કર્યું જે તેઓ ભારતમાં લોન્ચ કરવા ઈચ્છે છે.
- Semiconductor Exhibition: આત્મનિર્ભરતા તરફ વધુ એક ડગલું, ભારતમાં તૈયાર થયેલ મોડ્યુલ ગાંધીનગર ખાતે સેમિકન્ડક્ટર એક્ઝિબિશનમાં મુકાયા
- MoU For Semiconductor: રાજ્યમાં 22 હજાર કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે, 20 હજાર નોકરીઓનું સર્જન થશે