વેસ્ટન રેલ્વે દ્વારા બીજી ટ્રેનની પણ સ્પેશિયલ જાહેરાત ગાંધીનગર: 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. ગુજરાતના અનેક જિલ્લાઓ, શહેર ઉપરાંત સમગ્ર દેશના અનેક રાજ્ય અને મોટા શહેરોમાંથી અમદાવાદમાં મેચ જોવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળશે. જેને લઈને અમદાવાદ તરફ આવતી તમામ ટ્રેનો ફુલ અને વેઈટિંગમાં ચાલી રહી છે. ત્યારે વેસ્ટર્ન રેલ્વે દ્વારા બીજી ટ્રેન શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ-મુંબઇ ટ્રેન હાઉસ ફૂલ: સામાન્ય દિવસોમાં મુંબઈ અમદાવાદ વચ્ચે કુલ 32 જેટલી ટ્રેનો કાર્યરત રહે છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ એક્સપ્રેસ, ગુજરાત મેલ લોકશક્તિ એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં હાલ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. કર્ણાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ભારત-પાકિસ્તાનની મેચને લઈને મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી, તે પણ ગણતરીના કલાકોમાં હાઉસફુલ થઈ ગઈ હતી. ત્યારે વેસ્ટન રેલ્વે દ્વારા બીજી સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. તે પણ હવે હાઉસફુલ થવાની તૈયારીમાં હોવાનું અમદાવાદના રેલવે PRO ફૂલચંદ જરવાલે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
એર ટ્રાફિક ફૂલ થશે:લોકોના ભારે ધસારાને જોતા 14 ઓક્ટોબરે અમદાવાદના એરપોર્ટ ખાતે પણ ટ્રાફિક પણ જોવા મળશે. કારણકે અનેક વિવિધ એરક્રાફ્ટ અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે. ત્યારે મળતી માહિતી પ્રમાણે અમદાવાદની જે રેગ્યુલર ફ્લાઇટ છે તેને વહેલી પેક ઓફ કરી દેવામાં આવશે. જેના કારણે મુસાફરોને એરપોર્ટ ઉપર વહેલા પહોંચવા જાણ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર બાબતે ETVએ અમદાવાદ ટર્મિનલ ઉપર ફોન કરીને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈએ ફોન રિસીવ કર્યો ન હતો.
'ભારત પાકિસ્તાનની મેચને લઈને પ્રેક્ષકો સ્ટેડિયમ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTSની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. AMTS દ્વારા મેચના દિવસે સ્ટેડિયમ સુધી 50 જેટલી એક્સ્ટ્રા બસો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે 8:30 વાગ્યાથી રાત્રિના એક વાગ્યા સુધી બસની સુવિધા મળી રહેશે. ઉપરાંત મેચના દિવસે અચેર ડેપોથી વાસણા, મણીનગર, ઓઢવ, નારોલ, ઉજાલા સર્કલ આ પાંચ સ્ટોપથી પ્રેક્ષકોને લાવવા લઈ જવાની સુવિધાઓ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આ રૂટ ઉપર પ્રેક્ષકો માટે ફક્ત 20 રૂપિયા ભાડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.' - વલ્લભ પટેલ, ચેરમેન, AMTS
પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સૂચના: ટ્રાફિક સમસ્યાને લઈને રાજ્યના ગૃહ વિભાગ પ્રધાન હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે 14 ઓક્ટોબરના દિવસે જે પણ લોકો મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે, તેઓ લોકો પોતાના વાહનનો ઉપયોગ ટાળે અને મેટ્રો સર્વિસનો ઉપયોગ કરે જેથી ટ્રાફિકની સમસ્યા ન રહે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી સ્ટેડિયમ માટે આવવાની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારનો ટ્રાફિક સમસ્યા ન સર્જાય.
- India vs Pakistan Pre Match Ceremony : અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા યોજાશે સેરેમની, જાણો કાર્યક્રમની રૂપરેખા...
- Amit Shah Gujarat Visit : ઈન્ડિયા પાકિસ્તાન મેચમાં અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા, 14 અને 15 ઓક્ટોબર ગુજરાતમાં કાર્યક્રમો