સીરીયલ કિલરની શોધ વચ્ચે કલોલના વેડા ગામમાંથી આધેડનો મૃતદેહ મળ્યો - serial killer
ગાંધીનગરઃ જિલ્લામાં સીરીયલ કિલર દ્વારા પહેલા પણ ત્રણ લોકોને માથામાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારવાના બનાવ બન્યો હતો. કલોલ તાલુકાના વેડા ગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા આધેડનો મોઢાના ભાગે પથ્થરો મારી મોતને ઘાટ ઉતારેલ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા પોલીસ બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ વડસમા ગામમાં રહેતા અજીતસિંહ જીવણસિંહ ચાવડા ગામમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જમીન લે-વેચનું કામકાજ પણ કરે છે. વેડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી અજીતસિંહનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ બનાવની જાણ તાલુકા પોલીસ સ્ટેશને કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ હતી. વેડા ગામની સીમમાંથી મળેલા અજીતસિંહ મૃતદેહને મોઢાના ભાગે પથ્થરો મારી તેનું મર્ડર કરવામાં આવ્યુ હતું. જ્યારે અજીતસિંહ પાસે રહેલા તેમના બે મોબાઈલ સ્થળ ઉપરથી ગુમ હતા. કોઈને કહ્યા વગર બાઈક લઈને રાત્રે નીકળી ગયા હતા. પરંતુ મોડી રાત સુધી પરત ન આવતા તેમની દીકરીએ ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરતા વડાસમાના અજીતસિંહ મૃતદેહ હોવાનું માલુમ પડતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે પૈસાની લેવડ દેવડમાં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવ્યું છે. જમીનની લે-વેચ કરતા હોવાના કારણે આ પ્રકારના બનાવ બનતા હોય છે. બીજી તરફ ગાંધીનગર અને કલોલમાં સીરીયલ કિલર દ્વારા પિસ્તોલ વડે ત્રણ મર્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી સીરીયલ કિલર પોલીસને હાથ લાગ્યો નથી.