રાજ્ય સરકારે 11.60 કરોડની સહાય ચૂકવી ગાંધીનગર: ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડાએ વિનાશ સર્જ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની અસર પૂર્ણ થતા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો અને લોકોને નુકસાનીની સહાય પણ ચૂકવવાનું શરૂ કર્યું હતું. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં પણ નુકસાની સર્વે બાબતે ચર્ચા થઈ હતી. જેમાં અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે 11.60 કરોડ રૂપિયાની નુકસાની વળતર ચૂકવ્યું હોવાનું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું હતું.
" રાજ્ય સરકાર દ્વારા ચૂકવાયેલ ત્વરિત સહાયની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે કેશડોલ્સના 1,12,653 કેસોમાં 3.52 કરોડની સહાય, ઘરવખરીના 395 કેસોમાં 20.27 લાખની સહાય, પશુ સહાયના 2858 કેસોમાં 4.41 કરોડની સહાય, આંશિક પાકા મકાન સહાયના 914 કેસોમાં 1.14 કરોડની સહાય, આંશિક કાચા મકાન સહાયના 2101 કેસોમાં 1.68 કરોડની સહાય ચુકવવામાં આવી છે." - ઋષિકેશ પટેલ, પ્રવક્તા પ્રધાન
11 કરોડ 60 લાખથી વધુ રકમની સહાય: તદ્ઉપરાંત ઝુંપડા સહાયના 257 કેસોમાં 21.28 લાખની સહાય, મહત્તમ સંપૂર્ણ પાકા મકાનના 6 કેસોમાં 5.10 લાખની સહાય, મહત્તમ સંપૂર્ણ કાચા મકાનના 24 કેસોમાં 13.40 લાખની સહાય, ઢોરના શેડની સહાયના 432 કેસોમાં 20.77 લાખની સહાય તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ વાવાઝોડા દરમિયાન 15 વ્યક્તિઓને થયેલી ઇજામાં સારવાર પેટે 72 હજાર મળીને કુલ 11 કરોડ 60 લાખથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી છે.
બાગાયત બાબતે સીએમ સાથે બેઠક: ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બાગાયતમાં જે નુકસાન થયું છે તે બાબતે હજુ સરકાર સહાય આપવામાં વિચાર કરી રહી છે. આવનારા દિવસોમાં સહાયની ચુકવણી કરવામાં આવશે. આમ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કૃષિપ્રધાન વચ્ચેની બેઠક બાદ બાગાયત પાકના સહાય બાબતનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેરાત કરશે.
- Kutch News: વાવાઝોડામાં બાગાયતી પાકને ભારે નુકસાન, ખારેકનો પાક નિષ્ફળ જતા વધુ વળતરની માંગ
- Kutch News : વાવાઝોડાએ વિનાશ વેર્યો, કચ્છનો ખેડૂત કેરી પર બેસીને કુદરતને કોસી રહ્યો છે, જૂઓ વાયરલ વીડિયો