ગુજરાત

gujarat

ETV Bharat / state

દહેગામમાં ગૃહ પ્રધાને ધ્વજ ફરકાવી સરકારની વિકાસ ગાથા રજૂ કરી - Dahegam latest news

સમગ્ર દેશ 71મો પ્રજાસત્તાક પર્વ મનાવી રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગરમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દહેગામ ખાતે યોજાયો હતો. મ્યુનિસિપલ બોયઝ અને ગર્લ્સ શાળાના કેમ્પસમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ તેમણે ભૂતકાળની સરકારને આડે હાથ લેતા કહ્યું કે, CAA અને NRCના કારણે કોઈ ભારતીયને નુકસાન થવાનું નથી. ગુજરાત છેલ્લા બે દાયકા જેટલા સમયગાળાથી ગુજરાતના ખૂણેખૂણાના વિકાસની પ્રક્રિયાને વધુને વધુ બળવત્તર બનાવી રહ્યું છે.

dehgam
દહેગામ

By

Published : Jan 26, 2020, 6:49 PM IST

ગાંધીનગર: દહેગામ ખાતે મ્યુનિસિપલ બોયઝ અને ગર્લ્સ શાળાના કેમ્પસમાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ તેમણે ભૂતકાળની સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે, વર્ષ 1947 26મી સપ્ટેમ્બરે પૂજ્ય બાપુએ કહેલું કે, ‘પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શીખોને ત્યાં ન રહેવું હોય તો તે દરેક દ્રષ્ટિકોણથી ભારત આવી શકે છે. આવી સ્થિતિમાં એમને રોજગાર આપવો અને એમનો જીવનનિર્વાહ કરવાનો ભારત સરકારનું પહેલું કર્તવ્ય છે.’ વિવિધ ધર્મના લોકો અને જાતિઓથી બનેલા આપણા ભાતીગળ ભારતની એક આગવી ઓળખ છે. બાપુના આ શબ્દોને ચરિતાર્થ કરતા તાજેતરમાં નાગરિકતા સંશોધન વિધેયક 2019 સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાવી ભારતને વધુ સમૃધ્ધ કર્યું છે.

દહેગામમાં ગૃહ પ્રધાને ધ્વજ ફરકાવી સરકારની વિકાસ ગાથા રજુ કરી

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતના સમજૂ નાગરિકો આ મુઠ્ઠીભર તકવાદીઓને બરાબર ઓળખી ગયા છે. ખરેખર તો આ વિધેયક રાષ્ટ્રના નવસર્જનમાં એક માઈલસ્ટોન બનીને ઉભરી આવશે. CAA અને NRC કાયદો ભારતમાં વસતા કોઈપણ નાગરિકની નાગરિકતા છીનવવા માટે નથી. પરંતુ નાગરિકતા આપવા માટેનો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં વસતા લઘુમતિ હિન્દુઓ, ખ્રીસ્તીઓ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન લોકોને નાગરિકતા આપવાની વાત છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે કેટલાક તકવાદી લોકો એવો ભ્રામક પ્રચાર કરતા હતા. મોદીએ 26 નવેમ્બરના દિવસને ‘બંધારણ દિવસ’ જાહેર કરીને બંધારણની ગરિમાને વધુ ઉજાગર કરી છે.

ગાંધીનગર જિલ્લાના 303 ગામમાંથી 274 ગામોમાં 100 ટકા નળ કનેકશનની સુવિઘા આપવામાં આવી છે. બાકી રહેતા 29 ગામોમાં ગામ તળના 568 ઘરોમાં નળ કનેકશન આપવા માટેની રૂપિયા 17.94 લાખના કામના ખર્ચે કામગીરી પૂર્ણ થવાના આરે છે. અંબાજીથી માંડીને ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોના ઉત્કર્ષ માટે 5 હજાર કરોડના સિંચાઈ કામો પ્રગતિમાં છે. છેલ્લા 1 વર્ષમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં વધુ 20 લાખ ઉપરાંત પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 8 અજાયબીઓની યાદીમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે.

ત્યારબાદ તેઓ દ્વારા ગાંધીનગર જિલ્લાના અલગ-અલગ વિભાગના કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. દહેગામ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પોલીસના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી. ત્યારે ડોગ સ્ક્વોડ દ્વારા પણ તિરંગાને સલામી આપવામાં આવતા લોકો ઉત્સાહિત થઇ ગયા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને દહેગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details