ગાંધીનગર: કોરોના વાઈરસના કારણે દેશમાં ફરીથી 18 મે ના રોજ લોકડાઉન-4ની શરૂઆત થઈ રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા લોકડાઉન અંંગે જાહેરાત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકડાઉન-4 અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય તમામ ઉદ્યોગો શરૂ થશે. આ ઉપરાંત રાજ્યમાં તમાકુના બંધાણીઓ માટે પણ મંગળવારથી પાન-મસાલાના ગલ્લા ખુલશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
CM રૂપાણીએ લોકડાઉન-4ને લઈ કરી આ મહત્વની જાહેરાત, જાણો વિગતે
કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લઈ લોકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન દરમિયાન કેવાં ફેરફાર થશે તે અંગે જાહેરાત કરી છે. જાણો, શું શું ખુલશે..
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રજાજોગ સંદેશનાં મહત્વપૂર્ણ અંશો:
• લોકડાઉન 4.0ની સત્તા રાજ્યોને અપાઈ છે
• રાજ્યમાં લોકડાઉન 4.0 નો અમલ 19 મે થી લાગુ પડશે
• 18 મે ના રોજ તમામ જિલ્લા કલેક્ટર સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવશે.
• સિટી બસ અને એસ.ટી બસ ક્યાં ચાલુ થશે તે કાલે જણાવવામાં આવશે
• સાંજે 7થી સવારે 7 સુધી કર્ફ્યૂ લાગુ રહેશે, જેનો કડક અમલ કરાવવામાં આવશે
• રિક્ષા, સ્કૂટર ચાલકો માટેનાં નિયમ અને દુકાનો અને ઓફિસોનાં નિયમો કાલે જાહેર થશે
• હોટેલોને હોમ ડિલિવરીની જ પરવાનગી
• રાજ્યમાં થુંકવા અને માસ્ક ન પહેરવા પર 200 રૂપિયાનો દંડ
ભારત સરકારના આ નોટિફિકેશન મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. જેને અનુલક્ષીને રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર શહેરો સહિત કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં ઉદ્યોગને નિયમાનુસાર શરૂ કરવાની છૂટ અપાશે.
લોકડાઉન એ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારના લોકોની સુરક્ષા અને સલામતિ માટે છે. એટલે સૌ લોકો જાગૃતિ ઉભી કરે, સર્વેલન્સમાં સહયોગ આપે, આયુર્વેદીક દવાઓ, ઉકાળા વગેરેથી રોગ પ્રતિકારક શક્તિ વધારે અને વૃદ્ધો-બાળકો, ગંભીર બિમારી ધરાવતા લોકોની ચિંતા કરી ઝડપથી કન્ટેન્ટમેન્ટ વિસ્તારને ગ્રીન ઝોન તરફ લઈ જવા માટેના સામૂહિક પ્રયાસો કરે તેવી અપીલ મુખ્યપ્રધાને કરી હતી.