ગાંધીનગર:ગુજરાતમાંથી હજારો લોકો પરદેશ જતી ફલાઇટ પકડતાં રહે છે. એમાં કોણ ગેરકાયદે વિદેશ પ્રવેશ માટે જઇ રહ્યાં છે તેનો થપ્પો શોધવો ઘાસમાંથી સોય શોધવા જેવું કામ છે. ઉત્તર ગુજરાત અને ચરોતરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો ખુવ જ ક્રેઝ છે. જેમાં એજન્ટો દ્વારા સત્તાવાર રીતે અમેરિકા જવા માટે પહેલા ઇચ્છુકોને કેનેડા, તુર્કી અથવા મેક્સિકો મોકલવામાં આવે છે. ત્યારબાદ ત્યાંના એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે મેક્સિકો બોર્ડર, સેન્ટ લોરેન્સ નદી, ટ્રમ્પ વોલ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ આપતા હોય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એજન્ટ રાજ કઈ રીતે એક્ટિવ છે તે માટે જુઓ ઈટીવીનો વિશેષ અહેવાલ.
ડિંગુચા પંચાયત દ્વારા ગેરકાયદે વિદેશ ન જવા અપીલ એજન્ટ નહીં પણ સબ એજન્ટની મોટી ભૂમિકા : વિદેશમાં ગેરકાયદે લઈ જવા માટે ડીંગુચા ગામ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એવો સત્તાવાર કોઇ જ એજન્ટ નથી. આ વિસ્તાર સંપૂર્ણ ગ્રામ્ય વિસ્તાર છે અને ખેતી સાથે જોડાયેલ વિસ્તાર છે. ત્યારે આવા વિસ્તારમાં એક પણ દુકાન કે ઓફિસ ઈમિગ્રેશન સાથે જોડાયેલ નથી. પરંતુ મળતી માહિતી પ્રમાણે કલોલ અને અમદાવાદમાં રહેતા એજન્ટો આ ગ્રામ્ય વિસ્તારોમાં સબ એજન્ટની ખાનગી રીતે નિમણૂક કરે છે.
એક્શન પ્લાન બને છે : તે સબ એજન્ટ વ્યક્તિ આવા ક્લાયન્ટ લઈ જાય તો તેને ફક્ત 20 થી 50 હજાર રૂપિયા ક્લાયન્ટ લાવવાના જ આપે છે અને ત્યારબાદ વિદેશ જવા માટેનો તખ્તો તૈયાર થાય છે. આમ સ્લીપર સેલની જેમ એજન્ટો પણ ગેરકાયદેે વિદેશ જવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરે છે. જ્યારે અમુક કિસ્સામાં તો પરિવારજનો જ એજન્ટ બને છે. ડીંગુચાના પરિવારના મોતનો કિસ્સો બહાર આવ્યો હતો તેમાં એજન્ટ તરીકે પરિવારજન જ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો Ahmedabad News : ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં મોતને ભેટેલા 4 લોકોના અંતિમ સંસ્કાર કેનેડામાં થશે, ગુજરાતમાંથી અનેક એજન્ટોની ધરપકડ
600 જેટલા મકાનો બંધ :વિદેશ જવા ઇચ્છુક અને સબ એજન્ટની બેઠકગામના જ ઓળખીતા વ્યક્તિ કરાવે છે. ડીંગુચા ગામમાં 5000 જેટલી કુલ વસ્તી હતી. હાલમાં ફક્ત 3200 જ કુલ વસ્તી છે. ગામમાંથી લગભગ 40 ટકા જેટલા એટલે કે 600 જેટલા મકાનો બંધ પરિસ્થિતિમાં હોવાનું ડીંગુંચા ગામના પૂર્વ સરપંચ મથુરજી સેંધાજી ઠાકોરે જણાવ્યું હતું. જ્યારે અનેક લોકો વિદેશમાં સ્થાયી થયા છે. જ્યારે અનેક લોકો અમદાવાદના રાણીપ અને ડીંગુંચાથી 12 કિલોમીટર દૂર કલોલ વિસ્તારમાં રહેવા ગયા છે. અમદાવાદનું રાણીપ અને કલોલનું પંચવટી વિસ્તાર ડીંગુંચાના નામથી ઓળખાય છે.
કરુણાંતિકા બાદ કોઇ વિદેશ નથી ગયું : ટ્રમ્પ વોલની ઘટનામાં ડીંગુચાના પટેલ પરિવારનું મૃત્યુ નીપજ્યું તે કરુણાતિંકા બન્યાં બાદ ગામમાં અનેક જાહેર સભા કરીને ગેરકાયદે વિદેશ ન જવાનો સંદેશ પંચાયત દ્વારા આપવામાં આવ્યો હતો.જેથી કરીને કોઈ વિદેશ ગયું ન હોવાનું પણ સામે આવ્યું છે. આજની તારીખમાં અનેક લોકોની ફાઇલ હજુ પેન્ડિગ હોવાની વાત પણ સામે આવી છે.
અમદાવાદ કલોલમાં એજન્ટનું નામ જાહેર થતું નથી : ડીંગુચા ગામમાંથી મળતી માહિતી પ્રમાણે સબ એજન્ટ દ્વારા જે તે ઈચ્છુક વ્યક્તિને વધુ એક એજન્ટને અમદાવાદ અને કલોલમાં મુલાકાત કરવામાં આવે છે. ત્યારબાદ અડધા પૈસાથી વિદેશ જવાનું નક્કી થાય છે. જ્યારે આવી રીતે વિદેશ જવા માટે પણ ખાસ કોઈ એજન્ટ હોતા નથી, તે પણ એક સબ એજન્ટ તરીકે જ હોય છે. આ આખી પ્રક્રિયા કરિયાણાની દુકાન, પાનનો ગલ્લો, ફાઇનાન્સની ઓફિસ અથવા તો અન્ય કોઈ ધંધાની આડમાં રહીને ગેરકાયદેે વિદેશ મોકલવાની કામગીરી થાય છે. આમ એક સબ એજન્ટ એજન્ટની મુલાકાત કરાવે છે. ગુજરાતનો એજન્ટ દિલ્હી અથવા મુંબઈના એજન્ટની મુલાકાત કરાવે છે. દિલ્હી અને મુંબઈના એજન્ટ યુરોપીય કન્ટ્રીઝ, કેનેડા અને તુર્કીના એજન્ટની સંપર્ક કરાવે છે. ત્યારબાદ ગેરકાયદે અમેરિકા જવાની વ્યવસ્થા ગોઠવાય છે અને પ્રવેશ મેળવવામાં આવે છે. આ તમામ પૈસાનો વહીવટ હવાલા દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો ટ્રમ્પ વોલ બની મોતની દિવાલ, USમાં ગેરકાયદેસર ઘૂસવા જતાં ગુજરાતી પરિવાર વિખેરાયો
ડીંગુંચા ગામમાં વિદેશ જવાની જાહેરાત :ડીંગુચામાં બે વર્ષ પહેલાં પટેલ પરિવારનો અમેરિકામાં ગેરકાયદેે પ્રવેશ દરમિયાન બરફમાંથી થીજી જવાથી ચાર વ્યક્તિના મૃત્યુ થયા હતાં. ત્યારે આ જ ગામમાં ગ્રામ પંચાયતની એકદમ સામે જ ખાનગી એજન્સી દ્વારા દિવાલ ઉપર મસમોટી જાહેરાત પણ આપવામાં આવી છે. જે બાબતે ઈટીવી ભારતે એજન્ટ કુણાલ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. કુણાલ પ્રજાપતિએ ટેલીફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે હું છેલ્લા 17 વર્ષથી ઈમિગ્રેશનના બિઝનેસ સાથે સંકળાયેલ છું. પરંતુ હું ફક્ત સ્ટુડન્ટ વિઝાનું જ કામ કરું છું. આજ દિન સુધી મેં કોઈ પણ વ્યક્તિને યુએસમાં ગેરકાયદે મોકલ્યા નથી. હું ફક્ત યુકે અને કેનેડા સ્ટુડન્ટસ વિઝાનું જ કામ કરું છું.
પાનના ગલ્લે કે કરિયાણાની દુકાનમાં ગેરકાયદે ધંધો : ગુજરાત પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે પાનના ગલ્લે, કરિયાણાની દુકાનો અથવા તો નાનામોટા રોજગારની આડમાં ગેરકાયદે વિદેશ મોકલવામાં આવે છે. જેમાં ભારતમાંથી સત્તાવાર રીતે મેક્સિકો, તુર્કી અથવા તો યુરોપની કન્ટ્રીમાં વિઝિટર વિઝા તરીકે તેમને મોકલવામાં આવે છે. ત્યારબાદ એક મહિનો ત્યાં રહ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ અપાવ્યા બાદ મેક્સિકો અથવા તો કેનેડાના એજન્ટ દ્વારા ઇન્ડિયાના એજન્ટનો સંપર્ક કરવામાં આવે છે અને ત્યારબાદ પૈસાની હવાલા દ્વારા લેતીદેતી પૂર્ણ કરવામાં આવે છે. જ્યારે જે વ્યક્તિ ગેરકાયદે વિદેશ ગયો હોય તે ભારતના એજન્ટને એક વ્યક્તિની બાહેંધરી આપવામાં આવેલ હોય છે તે જ પૈસાની અંતિમ ચુકવણી કરે છે.
અમેરિકામાં સેટિંગ : ગુજરાત પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં પણ ગેરકાયદે પ્રવેશ લેતા વ્યક્તિઓ માટે ખાસ સેટીંગ હોય છે. જેમાં ગુજરાતના અનેક એવા લોકો છે જે કાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હોય છે, પરંતુ તેઓનો ત્યાં મસ્ત મોટો ધંધો હોય છે, કરિયાણાની શોરૂમ મોટેલ હોટેલ હોય છે. તેમાં કારીગરોની કમી હોવાથી આવી રીતે ગેરકાયદે લોકોને પ્રવેશ આપવામાં આવે છે . જો ગેરકાયદે પ્રવેશ દરમિયાન અમેરિકાની પોલીસ આવા વ્યક્તિઓને ધરપકડ કરી લે તો તેવા વ્યક્તિ અમેરિકામાં રહેલા લોકોની ઓળખાણ આપે છે અને ત્યારબાદ અમુક દિવસ જેલમાં કાપ્યા બાદ તેઓ જે તે જગ્યા ઉપર અડધા મહેનતાણાં પર નોકરી કરે છે અને એક વર્ષ સુધી ક્યાંય બહાર નીકળતા પણ નથી.
પૈસા ખૂટે તો એજન્ટ સેટિંગ કરી આપે છે : યુરોપના કન્ટ્રીમાં જવા માટે ઓછામાં ઓછું 10 લાખ રૂપિયાનું બેલેન્સ હોવું જરૂરી છે. ત્યારે જો 10 લાખ કરતાં ઓછું બેલેન્સ હોય તો બાકી રકમનું સેટિંગ એજન્ટ દ્વારા કરવામાં આવે છે. જે તે વ્યક્તિ યુરોપ કન્ટ્રીમાં પહોંચી જાય ત્યારે તાત્કાલિક ધોરણે એજન્ટે જે રૂપિયાનું રોકાણ કર્યું હોય છે તે તાત્કાલિક ધોરણે એજન્ટ તે વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પરત ખેંચી લે છે. જ્યારે જે તે વ્યક્તિ યુરોપ ન પહોંચે ત્યાં સુધી તેનો એકાઉન્ટનું હેન્ડલિંગ પણ એજન્ટ દ્વારા જ ઓનલાઇન કરવામાં આવે છે. જ્યારે ખોટી રીતે પેઢીનામું અને બેંક બેલેન્સ પણ બતાવવામાં આવે છે. જેનું સંપૂર્ણ સેટિંગ એજન્ટ દ્વારા જ કરવામાં આવે છે.
ગેરકાયદેનું કામ કાયદેસર રીતે થાય છે : વિદેશમાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટેનું કામ પણ કાયદેસર રીતે કરવામાં આવે છે. જેમાં વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિનો કાયદેસર રીતે વિઝા અને પાસપોર્ટ લઈને જ યુરોપ કન્ટ્રીમાં કેનેડામાં અથવા તો તુર્કીમાં મોકલવામાં આવે છે અને ત્યાં એક મહિના સુધી જે તે એજન્ટ દ્વારા જ સાચવવામાં આવે છે. જ્યારે યુરોપ અને તુર્કીમાં વિઝા ઓન અરાઇવલ હોવાના કારણે વિઝાની તકલીફ પડતી નથી. એક મહિનો કેનેડા, તુર્કી અથવા યુરોપ કન્ટ્રીમાં ફર્યા બાદ સગવડ અનુસાર એજન્ટ અમરિકામાં પ્રવેશ અપાવે છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે પણ 25થી 30 દિવસનું વેઇટિંગ ચાલતું હોય છે. ગાંધીનગરના કલોલમાં ટ્રાવેલ એજન્ટો વર્ષોથી યુવાનોને ગેરકાયદે અમેરિકા મોકલી રહ્યાં છે જેમાં અત્યાર સુધીમાં કેટલા ગ્રાહકો બોડી બેગમાં પાછા આવ્યાં હશે તેનો અંદાજ મેળવવો અઘરો છે.