ગાંધીનગર: રાજ્યના યુવાનોને અશ્વારોહણની તાલીમ મળે તે માટે રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોના પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ વિભાગ હસ્તકના માઉન્ટેડ યુનિટ ખાતે અગાઉ અશ્વારોહણની તાલીમ આપવા માટેની હોર્સ રાઇડીંગ સ્કૂલ ચલાવવામાં આવતી હતી. છેલ્લા ઘણા સમયથી આ રાઇડીંગ સ્કૂલ બંધ હતી. જેથી અશ્વ પ્રેમી સહિતના અન્ય નાગરિકોની આવી અશ્વારોહણ તાલીમ શાળા ફરી શરૂ થાય તેવી લાગણી હતી. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રાજ્યના 10 જેટલા સ્થળે આવી હોર્સ રાઇડીંગ સ્કૂલ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, હિંમતનગર, ભુજ, ભાવનગર, મહેસાણા, દાહોદ અને ગાંધીનગર ખાતે અગાઉ પોલીસ હેડક્વાર્ટરમાં નાગરિકોને અશ્વારોહણ કરવા માટેની વિધિવત તાલીમ આપવામાં આવતી હતી. છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી આ અશ્વ રાઇડીંગ શાળાઓ બંધ હતી. જેથી અશ્વપ્રેમીઓ અને અશ્વારોહણ જેવા સાહસિક ખેલમાં રૂચિ ધરાવતા યુવાનો દ્વારા આવી અશ્વ રાઇડીંગ શાળાઓ ફરી શરૂ કરવા માટેની રજૂઆત મળી હતી. જેને ધ્યાને લઇને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આવી રાઇડીંગ સ્કૂલ ફરી શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ માટે રાજ્યના DGP દ્વારા સંબંધીત તમામ એકમોને રાઇડીંગ સ્કૂલ ફરી શરૂ કરવા આદેશ કરી દેવાયા છે.