ગાંધીનગરઃ જિલ્લામાં શહેર સહિતના દહેગામ, માણસા અને કલોલ વિસ્તારમાં મોડીરાત્રે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. પરંતુ દહેગામ તાલુકામાં એન્ટ્રી સાથે જોરદાર બેટિંગ જોવા મળી હતી. દહેગામના રખિયાલ પાસે બનાવવામાં આવેલો અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. જેના કારણે અહીંથી પસાર થતા 25 ગામના વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ખાનપુર, રબારીની મુવાડી, અહમદપુરા સહિતના ગામ બેટમાં ફેરવાઇ ગયા હતા.
ગાંધીનગરના દહેગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેતરો-અંડરબ્રિજ પાણીમાં ગરકાવ - મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ
રાજ્યમાં મેઘરાજાના શ્રાવણમાં ઝરમરની જગ્યાએ મુશળધાર મેઘ મહેર જોવા મળી રહ્યો છે. માત્ર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં પાણી પાણી છે. ત્યારે ગત મોડી રાત્રે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ખાબકેલા મેઘરાજાએ 20-20 રમી હતી. જેમાં ખેતરો, અને અંડર બ્રિજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જ્યારે તળાવો, નદીઓ છલકાઇ ગયા છે.
રેલવે લાઇન ઉપર બનાવવામાં આવેલા દહેગામના સોલંકીપુરા પાસે, ભાદરોડા, રખિયાલ આ તમામ બ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. જેને લઇને અનેક વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ડભોડાથી વડોદરા જવાના બે બ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા હતા. એક રાતમાં દહેગામ તાલુકામાં 120mm વરસાદ ખાબક્યો હતો. જેને લઇને અત્ર-તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળતું હતું. સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં મેઘરાજા ઝરમર જોવા મળતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ધૂંઆધાર બેટિંગ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.