ગાંધીનગર: વીડિયો કોન્ફરન્સ બાદ રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે, રાજ્યમાં વાહકજન્ય રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં હાલમાં વાહકજન્ય રોગ માટે સંવેદનશીલ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, ગોધરા-દાહોદ અને અમદાવાદ કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
વાહકજન્ય રોગને લઈ આરોગ્ય કમિશ્નરે તમામ જિલ્લાની વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી - health commissioner reviewed all the districts
રાજ્યમાં દર વર્ષે ચોમાસાની ઋતુ બાદ ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઈન ફ્લુ અને ચીકનગુનિયા જેવા રોગો ફેલાતા હોય છે. ત્યારે આ વર્ષે પણ વાહકજન્ય રોગ રાજ્યમાં ન ફેલાય તે માટે આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી.
આ સંવેદનશીલ તમામ જિલ્લાઓમાં પોરાનાશક કામગીરી તથા સર્વે કામગીરી વધુ સઘન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ચોમાસાને લઈને કંટ્રોલ ટીમ જંતુનાશક દવાના છંટકાવ અને લાંબાગાળાની દવાયુક્ત મચ્છરદાનીના વિતરણના કામગીરીની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત તમામ જિલ્લાઓને ભારપૂર્વક આરોગ્ય કમિશ્નરે જણાવ્યું હતું કે, તમામ ઇન્સ્ટિટ્યૂશનની મુલાકાત લઇ અને તેમાં એક નોડલ વ્યક્તિ પસંદ કરવા અને તેઓને પુરાના કામગીરી અંગે માહિતગાર કરવા તથા તેઓ અઠવાડીક રિપોર્ટ જિલ્લાના અધિકારીઓને કરવામાં આવે તે બાબત પર પણ ખાસ ભાર મૂકવાનો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત પ્રસુતિ સેવાઓ અને નવજાત શિશુને વિશેષ કાળજી માટે રાજ્યમાં ઉભા કરવામાં આવેલા ન્યુબોર્ન કેર યૂનિટની કામગીરી અંગે પણ સમીક્ષા કરી હતી.
અંતમાં ચોમાસાને ધ્યાનમાં લઇને તમામ જિલ્લાઓમાં લોજિસ્ટિક જેવા કે, નાશક દવાઓ, મેલેરિયા વિરોધી ઔષધો, ફોગિંગ મશીન તથા અન્ય દવાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.