ગાંધીનગરઃ તાપી નર્મદા પાર રિવર લિંક યોજનાને આદિવાસી સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે આગામી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી આદિવાસીઓનો આક્રોશ ગુજરાત ભાજપને નુકશાન કરાવી શકે છે તેવી પરિસ્થિતિ ઉદભવી હતી. જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને ભાજપ સક્રિય થઇ હતી જે બાદ આ યોજનાને હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તાપી રિવર લિંક યોજના -તાપી નર્મદા પાર રિવર લિંક યોજનાને હાલ સ્થગિત કરવાનો ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના આદિવાસી( Tribals of Gujarat )પ્રધાનોએ અને સાંસદો સહિત ધારાસભ્યોએ દિલ્લી જઈ કેન્દ્રના પ્રધાનો સાથે લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ યોજનાને હાલ પૂરતી આગળ નહીં વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. તાપી નર્મદા રિવર લિંકિંગ પ્રોજેક્ટમાં (Tapi River Link project postponed)સાત જેટલા ડેમો બનવા જઈ રહ્યા હતા. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઈ રહ્યા હતા. જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠન સહિત રાજકીય આગેવાનો પણ ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોની સાથી આદિવાસી સંગઠન સમિતિ સાથે આગળ આવ્યા હતા.
મહાકાય ડેમોના વિરોધ પ્રદર્શન -લોકસભામાં બજેટની ચર્ચા દરમિયાન કેન્દ્રીય પ્રધાન દ્વારા બજેટમાં રિવર લિન્કિંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા દક્ષિણ ગુજરાતના લોકોમાં આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તાપી નર્મદા પાર રિવર લિંકિંગ પ્રોજેક્ટના વિરોધમાં લડવા માટે 25 સભ્યોની એક મહત્વપૂર્ણ કમિટી બનાવવામાં આવી હતી જે ગામેગામ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ત્રણ મહાકાય ડેમોના વિરોધ પ્રદર્શન માટે જામલાપાડા ખાતે મળેલી શરૂઆતની પ્રથમ બેઠકમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા આદિવાસી સમાજને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે 2005માં કોંગ્રેસની મનમોહનસિંહની સરકારમા પણ તાપી રિવર લિન્કિંગ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થોડા દિવસ અગાઉ વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 75 ગામો પૈકી દબાણમાં હતા. તાપી નર્મદા પાર રિવર લિંક અંતર્ગત 50 હજારથી વધુ આદિવાસી લોકો આ યોજનાની અસર થઇ શકે તેવી રહી હતી.
કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન -ગાંધીનગરમાં કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ વિરોધ પ્રદર્શન પણ તાપી લિંક યોજના અંગે આદિવાસીઓના વિરોધ મોટી સંખ્યામાં પ્રદર્શન કરતાં ગાંધીનગર પહોંચ્યા હતા. તાપી નર્મદા રિવર લિંક યોજના ઘણી જૂની છે. ભૂતકાળમાં પણ આદિવાસીઓએ આ યોજના અંગે થઈને ભારે વિરોધ નોંધાવ્યો છે. ગત 27 માર્ચના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં અંબાજીથી, ઉમરગામ આદિવાસી સંગઠન અને સમિતિઓ સાથે જોડાયેલા લોકો સાથે જ આદિવાસી લોકો એકઠા થયા હતા. જ્યાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત કોંગ્રેસના બેનર હેઠળ થયેલા સંમેલનમાં કોંગ્રેસના પણ મોટા દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભામાં આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન -27 માર્ચના રોજ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિધાનસભાગૃહમાં પણ આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી પણ વોક આઉટ કર્યું હતું. જોકે હાલ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જ્યાં સુધી શ્વેત પત્ર આપવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે. આગામી 1 એપ્રિલે સોનગઢમાં પણ આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જેમને પણ ખુલાસો કરવો હોય તે સોનગઢ ખાતે વિરોધ પ્રદર્શન સ્થળે આવીને ખુલાસો કરી શકે છે.