ગાંધીનગરઃરાજ્યમાં આજે પણ અનેક એવી શાળાઓ છે, જેમાં માતૃભાષા ગુજરાતી ભાષા ભણાવવામાં જ નથી આવતી. આ મામલો છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં પણ આ મામલે ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક પસાર કરવામાં આવ્યું છે. વિપક્ષે પણ આ વિધેયકને પોતાનું સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બિલમાં એક પણ ધારાસભ્યનો વિરોધ જોવા મળ્યો નહતો, પરંતુ કેટલાક સુધારાઓ પણ મૂકવામાં આવ્યા છે. આમાં કૉંગ્રેસે સુધારા મુક્યા છે કે, આ ગુજરાતી ભાષા માત્ર ધોરણ 1થી 8ને પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી પણ ફરજિયાત ભણાવવામાં આવે તે જરૂરી છે.
આ પણ વાંચોઃGujarat Budget Session: વિધાનસભામાં ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કરવા બાબત વિધેયક પસાર, પણ કૉંગ્રેસનું સમર્થન નહીં
વિધેયક સર્વાનુમતે પસારઃશિક્ષણ પ્રધાન ડૉ. કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં અંદર ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનું મતે વિધેયક પસાર કરવામાં આવ્યું છે. મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગુજરાતી ભાષા પણ છે. જે આપણા માટે ગૌરવની વાત કહી શકાય. હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં અભ્યાસ કરી શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વના વિકસિત દેશોમાં પણ પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જ માતૃભાષાથી ફાયદો થાય છે. આપણે આપણી ભાષાનો ગૌરવ લેવું જોઈએ.
શાળાઓને થશે દંડઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલા પણ સરકાર દ્વારા ગુજરાતમાં ગુજરાતી ભાષા ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંકને ક્યાંક આ ભાષાને અવગણના કરવામાં આવતી હતી. આના કારણે આ વખતે કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે આ નિયમનો ઉલ્લંઘન કરશે તે શાળાને પ્રથમ વખત 50,000, બીજી વખત 1 લાખ અને ત્રીજી વખત સીધી શાળા ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં કુલ 4520 જેટલી શાળાઓમાંથી 14 શાળાઓમાં ગુજરાતી અભ્યાસ કરવામાં આવતો નથી.
ધોરણ 1થી 8 ધોરણ સુધી ગુજરાતી ભાષા ફરજિયાતઃપંજાબ, કેરળ, કર્ણાટક જેવા રાજ્યમાં માતૃભાષાનો ઉપયોગ થાય તે માટે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ થાય અને બાળકો પણ સારી રીતે ભણી શકે તે માટે ધોરણ 1થી 8 ગુજરાત દ્વારા મંજૂરી આપેલી તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે. ગુજરાતી ભાષાને વધારે મજબૂત અને ઉચ્ચ સાહિત્ય આપણા ગુજરાતના સાહિત્યકારો એ આપણેને ગુજરાતી સાહિત્ય આપ્યું છે તેવું શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું.
જિલ્લા સમીક્ષા કેન્દ્ર મુલાકાત લેવી જરૂરીઃતેમણે ઉંમેર્યું હતું કે, વિપક્ષે જે પણ સુધારાના સૂચનો આપ્યા છે. તે સૂચનો પણ સ્વીકારીએ છીએ. સાથે સાથે તમામ ધારાસભ્યોને પોતાના જિલ્લા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરવાની પણ સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ત્યાં જઈને જો જે પણ સૂચનો હોય તે સૂચનો આપવામાં આવે, જેથી વધુમાં વધુ શાળાનું શિક્ષણ સ્તર સુધારી શકાય ગુજરાતની અંદર ગુજરાતી સિવાય મરાઠી, તમિલ, ઉર્દુ, હિન્દી, સહિત કુલ 7 માધ્યમિક શાળાઓનું પણ અભ્યાસ કરવામાં આવે છે.
ભાષાનું જ્ઞાન જરૂરીઃકૉંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના બાળકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. વિદેશમાં પણ ગુજરાતી ભાષા ભણાવવામાં આવે છે, જેમાં આફ્રિકાના દેશોમાં પણ ગુજરાતી ભાષા ભણાવવામાં આવે છે. ગુજરાતમાં કુલ અલગ અલગ 55 જેટલી બોલીએ બોલવામાં આવે છે. તે લોકલ બોલી પણ સચવાય તે પણ જરૂરી છે આપણે દરેક રાજ્યની ભાષાને માન આપ્યું છે. ત્યારે આપણી ભાષા પ્રત્યેય ગૌરવ હોવું જોઈએ. ઇંગ્લેન્ડના કેટલાક શહેરોમાં પણ માઇલસ્ટોન ત્રણ ભાષામાં જોવા મળે છે. જેમાં અંગ્રેજી ,પંજાબી અને ગુજરાતી ભાષામાં માઈલસ્ટોન દર્શાવેલા જોવા મળે છે.
મોડે મોડે સરકાર જાગીઃવધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 1960માં ગુજરાતી અલગ ભાષા ધરાવતી હોવાથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. તે વખતે ગુજરાતના તત્કાલીન શિક્ષણ પ્રધાન મગન દેસાઈએ ફરજિયાત ગુજરાતી માધ્યમ દાખલ કર્યું હતું, પરંતુ એ વાત છે કે, વર્ષ 1995માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ ખાનગી શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જે આજે રાજ્યમાં આવી ખાનગી શાળાનો રાફડો ફાટી નીકળ્યો છે. ગુજરાતના સાહિત્યકારો અને શિક્ષણવિદો દ્વારા અરજી કરવામાં આવી કે, ગુજરાતી ભાષા ભણવામાં આવતી નથી. તે કોર્ટમાં ગયા હતા અને કોર્ટ દ્વારા સરકારને ટકોર કરવામાં આવી હતી. ત્યારે આજે સરકાર મોડે મોડે આ બિલ લાવવામાં આવ્યો છે. પરંતુ કૉંગ્રેસ પૂરતું સમર્થન આપે છે.
સરકાર પર આક્ષેપબાજીઃકૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં એવું તો શું થયું કે અચાનક ગુજરાતી ભાષા ફરજિયાત કરવી પડી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન છે. આજે ગુજરાતમાં ગુજરાતી ભાષા વિસરાઈ રહી છે, જે શાળા ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવામાં આવતો નથી. તે શાળાને તાત્કાલિક પણે માન્યતા રદ કરવામાં આવે સાથે સાથે કૉંગ્રેસ પણ આ બિલનું સમર્થન તો કરે છે, પરંતુ સાથે સાથે સુધારાઓ પણ આપી રહી છે.
આ પણ વાંચોઃBudget Session 2023: વાહ નેતાજી! લોકોને જાગૃત કરવા ધારાસભ્ય ઈલેક્ટ્રિક સ્કૂટર લઈને પહોંચ્યા વિધાનસભા
કૉંગ્રેસના સુધારાઃકૉંગ્રેસે આ બિલમાં સુધારા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષા ફરજિયાત માત્ર ધોરણ 1થી 8 સુધી જ કરવામાં આવી છે, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવે આ કાયદાનો ઉલ્લંઘન કરતો માત્ર દંડ જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ભૂલ ન કરે તેઓ ઉત્તમ પ્રકારનો દાખલો બેસાડવામાં આવે. આ કાયદાનું ઉલ્લંઘન કરે તો એક વર્ષ સુધી સજાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ એક વર્ષ નહીં પરંતુ એક જ મહિનાની અંદર સજા કરવામાં આવે. ઉપરાંત આ કાયદો માત્ર કાયદો પૂરતો સિમિત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. જેવા સૂચનો કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કર્યા હતા.