ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો તેમજ તેની સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. વિવિધ કાર્યક્રમ થકી અવારનવાર આવા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આવતીકાલ 27 જૂન, 2023ને બુધવારે ગાંધીનગરમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર કસબીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવશે.
કલાકારોને પ્રોત્સાહન : કલાક્ષેત્રે ગુજરાતીઓએ અવારનવાર વિવિધ સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે. પાછલા અમુક વર્ષોમાં મુખ્યત્વે ચલચિત્ર ક્ષેત્રમાં ગુજરાતી કલાકારોએ આગવી ઓળખ બનાવી છે. ગુજરાતી ચલચિત્રો તેમજ તેની સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓને સરકાર પણ પ્રોત્સાહિત કરતી રહે છે. જેના ભાગરૂપે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે. આવતીકાલે ગાંધીનગરમાં ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2023 નુ આયોજન કરવામાં આવ્યુ છે. તા.27 જૂનના રોજ ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવશે.
46 કેટેગરીમાં પારિતોષિક : આ સમારંભમાં નાણાંપ્રધાન કનુભાઈ દેસાઇના હસ્તે વિવિધ 46 કેટેગરીમાં આશરે 181 ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે. ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વર્ષ 2016-17, વર્ષ 2017-18, વર્ષ-2018 અને વર્ષ-2019 મળી ચાર વર્ષ દરમિયાનની ચલચિત્રોને સમાવવામાં આવી છે. ગાંધીનગરના નવા સચિવાલય,સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે દ્વારકા હૉલમાં સવારે 9:30 કલાકે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ : શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ વેશભૂષા,શ્રેષ્ઠ સંગીત નિદર્શન તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની અલગ અલગ ૪૬ કેટેગરીમાં આશરે 181 ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે. જેમાં રોંગ સાઈડ રાજુ, હેલ્લારો, કેરી ઓન કેસર, લવની ભવાઈ, ગુજ્જુભાઇ:મોસ્ટ વોન્ટેડ, કરસનદાસ પે એન્ડ યુઝ, રેવા તેમજ બેસ્ટ ઓફ લક લાલુ સહિતની મુખ્ય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રૂ.21 હજારથી લઈને રૂ.2.50 લાખની મર્યાદામાં અલગ અલગ શ્રેણીમાં પારિતોષિકની રકમ અગાઉથી જ આ કલાકારોને અર્પણ કરવામાં આવી છે.
ખ્યાતિપ્રાપ્ત કલાકારોની ઉપસ્થિતી :ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં પ્રતિક ગાંધી, જિગરદાન ગઢવી, રાહુલ ભોલે, અભિષેક જૈન, અભિષેક શાહ, કિર્તીદાન ગઢવી, વિપુલ મહેતા ઉપસ્થિત હશે. ઉપરાંત મલ્હાર ઠાકર, આરોહી પટેલ, સાધના સરગમ, સુપ્રિયા પાઠક તેમજ સિધ્ધાર્થ રાંદેરિયા સહિતના ખ્યાતિપ્રાપ્ત કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહેશે. નાણાપ્રધાન કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘ તેમજ માહિતી નિયામક ડી.કે.પારેખ પણ ઉપસ્થિત રહેશે.
- Aao Gaav Chale Campaign: રાજ્યનાં 90થી વધુ ગામોમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા 'આઓ ગાવ ચલે' અભિયાનનો પ્રારંભ
- Gandhinagar News: કલોલમાં કોલેરાને નાથવા ત્વરિત પગલાં લેવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની તંત્રને કડક સૂચના