ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની કેબિનેટ બેઠકમાં સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે રાજ્ય સરકારે મહત્વના નિર્ણય કર્યા છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર તલાટીની પરીક્ષા 7 મેના રોજ યોજાશે. નવા નિર્ણય મુજબ જે ઉમેદવારોએ પરીક્ષા આપવી હશે તેવા ઉમેદવારોએ પરીક્ષા પહેલા કન્ફર્મેશન આપવું પડશે.
કન્ફર્મેશનની સિસ્ટમ કેમ લાગુ કરાઈ:રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 'સ્પર્ધાત્મક પરીક્ષાના વિભાગ અને મંડળના આયોજન થઈ શકે અને ખર્ચ પણ ઓછો થાય તેને ધ્યાનમાં લઈને જ આ કન્ફર્મેશનની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં જાહેર પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષામાં સરકારી નોકરી મેળવવા માટે લાખોની સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરે છે પરંતુ જ્યારે પરીક્ષા પૂર્ણ થાય ત્યારે 50 થી 60 ટકા જેટલા જ ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનું સામે આવે છે. જેથી જે તે પરીક્ષા મંડળ દ્વારા જેટલા ફોર્મ ભરાયા હોય તેટલા પ્રશ્નપત્ર અને તેમની બેઠક વ્યવસ્થા કરવી પડે છે.'
જુનિયર ક્લાર્કમાં ઓછા ઉમેદવાર હાજર રહ્યા:રાજ્ય સરકારના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ગત રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9 લાખ જેટલા ઉમેદવાર હોય રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ 3,00,000 જેટલા જ ઉમેદવારો પરીક્ષા આપી હતી. હવે તલાટીની પરીક્ષામાં 17 લાખથી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે આવી ઘટનાના બને તેને ધ્યાનમાં લઈને જ રજીસ્ટ્રેશન બાદ પરીક્ષા પહેલા કન્ફર્મેશનની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.'