જુલાઈ 1973માં ઘનશ્યામભાઈ ઓઝાની જગ્યાએ ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા. આ સરકાર સામે ભષ્ટ્રાચારના આરોપો હતા. ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાથી શહેરી મધ્યમ વર્ગ નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો. શરૂઆતમાં તો વિદ્યાર્થીઓએ જ વિરોધ કર્યો હતો, પરતું 20 ડિસેમ્બર, 1073ના રોજ અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈજનેરી કોલેજની છાત્રાલયમાં ભોજન શૂલ્કમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો, જેથી વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયાં. મોરબીની એક એન્જિનિયરીંગ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ ફૂડ બિલમાં થયેલા અસાધારણ વધારા સામે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત આવી જ એક હડતાલ 3 જાન્યુઆરી 1974માં ગુજરાત યુનિવર્સિટીમાં પણ થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા હતાં. શૈક્ષણિક સંસ્થાનોમાં 7 જાન્યુઆરીથી અચોક્કસ મુદ્તની હડતાલ શરૂ થઇ હતી. વિદ્યાર્થીઓની માંગ ભોજન અને શિક્ષણ સંબંધી હતી.
અમદાવાદમાં કેટલાક વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો પણ વિરોધમાં જોડાયા અને રાશનની દુકાનો પર હુમલાઓ થયાં. વિદ્યાર્થીઓ, વકીલો અને અધ્યાપકોએ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને આંદોલનને માર્ગદર્શન આપવા માટે એક સમિતિની રચના કરી, જે બાદમાં નવનિર્માણ યુવક સમિતિ તરીકે ઓળખાઇ. આંદોલનકારીઓએ ચીમનભાઇ પટેલના રાજીનામાની માંગ કરી. જેથી અમદાવાદ અને વડોદરામાં હડતાલ બે દિવસ માટે હિંસક બની ગઈ હતી. આમ, આ આંદોલન સમગ્ર ગુજરાતમાં વ્યાપ્યું.