ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ગુનાઓને અંજામ આપીને આરોપીઓ પોલીસ પકડથી દૂર ભાગતા હોય છે. પોલીસના અનેક પ્રયાસો છતાં પણ આરોપીઓ ધરપકડથી દૂર રહે છે. ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તમામ ભાગતા ફરતા અને વોન્ટેડ આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય તેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ બાબતે રાજ્યના તમામ જિલ્લા પોલીસ અધિકારી, રેન્જ IG અને શહેર પોલીસ કમિશનરને સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં કેટલાય વર્ષોથી પોલીસ પકડથી દૂર અને ફરાર એવા 2789 આરોપીઓને ગુજરાત પોલીસે ઝડપી પાડ્યા છે.
DGP દ્વારા સૂચના : ગુજરાત રાજ્યના પોલીસ વડાની કચેરીમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ઘણા આરોપીઓ ફરાર હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી આ બાબતે DGP દ્વારા તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે વોન્ટેડ આરોપીઓને પકડવાની કડક સૂચના આપી હતી. જેમાં હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, લૂંટ, સમાજમાં ભય અને આતંકનો માહોલ ઉભો કરનાર વ્યક્તિ તથા શરીર સંબંધિત ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ બાબતે ખાસ સુચના આપી હતી. જેમાં 2,789 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે.