ગાંધીનગર :ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં જીત્યા બાદ સીધા વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ લોકો સાથે રાજકીય નહીં પણ સામાજિક રીતે સંપર્ક રાખવા માટે મન કી બાતના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 3 ઓક્ટોબર 2014ના રોજ વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી, ત્યારે 30 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી મન કી બાતના 100 એપિસોડની રજૂઆત કરશે. ગુજરાતના ક્યા ક્યા વિસ્તારમાં મન કી બાત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જાણીએ.
30 એપ્રિલના દિવસે 100 એપિસોડ :વડાપ્રધાન મોદીએ 3 ઓક્ટોબર 2014ના રોજ મન કઈ બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી, ત્યારે અત્યાર સુધીમાં 99 એપિસોડમાં ગુજરાત અને દેશના સામાજિક રીતે સારું કાર્ય કરતા લોકોની વાત મન કઈ બાતના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને પહોંચાડી છે. 99 એપિસોડ પૂર્ણ થયા 30 એપ્રિલના રોજ 100 એપિસોડ રજુઆત કરવામાં આવશે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો, ગુજરાતના 8 મહાનગરપાલિકા, 33 જિલ્લા અને તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં મન કી બાત કાર્યક્રમનું આયોજન ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ પ્રધાનો ગુજરાતના અલગ અલગ વિસ્તારો, જિલ્લામાં વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળશે.
ભાજપ યુવા મોરચાએ કરી વ્યવસ્થા
18,200 કેન્દ્ર પર આયોજન :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડની ઉજવણીમાં યુવાઓ પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે ETV Bharatને જણાવ્યું હતું કે, 100માં એપિસોડની ઉજવણીમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર પ્રતિ બેઠકમાં 2 શક્તિ કેન્દ્રો પર યુવા માટે ખાસ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિ શક્તિ કેન્દ્ર ખાતે 100 જેટલા યુવાનો વડાપ્રધાન મોદીની મન કી બાત કાર્યક્રમ નિહાળશે, જ્યારે ગુજરાતમાં 50,000 જેટલા બુથ છે, ત્યારે તમામ બૂથ પર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં યુવાઓ મન કી બાતના કાર્યક્રમમાં હાજરી આપશે. તે દરમિયાન જ વધુમાં વધુ નવા યુવાઓનો ભાજપમાં જોડાઈ તે રીતનું આયોજન ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે.
ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહેવાની સૂચના :30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મન કી બાતના 100 એપિસોડ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર અનેક શક્તિ કેન્દ્ર તેમજ બુથ પર ખાસ કાર્યક્રમની વ્યવસ્થાઓ અને આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ભાજપના 156 ધારાસભ્ય, તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો, સભ્યો અને 8 મહાનગરપાલિકા વિસ્તારના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં હાજર રહેવાની સૂચના પ્રદેશ ભાજપમાંથી આપવામાં આવી છે.
ગાંધીનગર ધારાસભ્યો હાજરી જોવા મળશે :ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો, ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટ ETV Bharatને જણાવ્યું હતું કે, દેશના નાગરિકોને પ્રોત્સાહિત કરવા મન કી બાત કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કર્યો છે. 30 એપ્રિલના રોજ સોમો એપિસોડ છે, ત્યારે ગાંધીનગરના તમામ 272 બુથમાં કાર્યકરો સહિત લોકો સાંભળે તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગર જિલ્લાના પાંચ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં મન કી બાત કાર્યક્રમ અંતર્ગત હાજર રહેશે.
સુરતમાં 10,000 લોકો સાંભળશે મન કી બાત :30મી એપ્રિલના રોજ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100મી મન કી બાત સુરત ખાતે ભવ્ય ઉજવણી સાથે સાંભળવામાં આવશે. સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 10,000થી વધુ લોકો એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનની વાત સાંભળશે. આ કાર્યક્રમમાં નેપાળના હોમ અફેર્સ મિનિસ્ટર હાજર રહેશે. તેઓ હાલ જ ભવ્ય રામલલ્લાની મૂર્તિ માટે રામશીલા લઈને ભારત આવ્યા હતા.