ગાંધીનગર :કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક તંત્ર રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય સ્મારકો અને પુરાતત્વ વિભાગ દ્વારા સુરક્ષિત કરાયેલા બાંધકામની હંમેશા રક્ષા અને સુરક્ષા કરતા હોય છે. પરંતુ સુવિધાઓ અને વિકાસની આડમાં રાષ્ટ્રીય પ્રાણી-પક્ષીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે આવી જ ઘટના ગુજરાતના કચ્છ જિલ્લામાં થઈ છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત કચ્છ જિલ્લામાં પવનચક્કી અને વીજ લાઈનના કારણે 74 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ નોંધાયા છે.
સત્તાવાર મોરનો મૃત્યુઆંક : ગુજરાત વિધાનસભા અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે 31 માર્ચ 2023 ની પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ વર્ષમાં કચ્છ જિલ્લામાં પવનચક્કી અને તેની વીજ લાઈન સાથેથી કેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થયા અને જવાબદાર સામે શું પગલાં લેવામાં આવ્યાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના પ્રતિત્યુત્તરમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 માં 37 મોત, 2021-22 માં 30 અને વર્ષ 2022-23 માં 7 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ નોંધાયા છે. જ્યારે આ મૃત્યુની ઘટના જે પણ પવન ચક્કી અને વીજ થાંભલાથી થઈ છે, તેવા તમામ જવાબદારો વિરુદ્ધ નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત વન કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
વન્યજીવોના રક્ષણ માટે પ્રયાસ : રાજ્ય સરકાર દ્વારા મોરના મૃત્યુ ન થાય તેને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય પક્ષીના કુદરતી મોત અટકાવવા માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરના સંરક્ષણ માટે તાબાના સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. ઉપરાંત જો આવી કોઈપણ ઘટના કે જેમાં શિકાર અને મોતની શક્યતા હોય તેવી ઘટનામાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે ગુનો નોંધીને કાયદાકીય પગલા પણ ભરવામાં આવે છે. જ્યારે એક જ જગ્યાએ ફરીથી અકસ્માત ન થાય તે માટે કંપનીના સત્તાધિકારીઓને પણ નોટિસ પાઠવવામાં આવે છે. આમ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરપંચનો સંપર્ક કરી વન્યજીવો પ્રત્યે લોકજાગૃતિના કાર્યક્રમ અને શિક્ષણ શિબિર કરવામાં આવે છે. તેમજ ખેડૂત શિબિર કરીને મોરના રક્ષણ તથા સંવર્ધન માટે પણ જિલ્લા તંત્ર અને વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે.