ગાંધીનગરઃ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ બંને દિવસોમાં આગાહી મુજબ વરસાદ થયો છે. તેમજ નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થયો છે. જેના પરિણામે નર્મદા ડેમ ઓવરફ્લો થતાં જ નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું. સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારમાં રહેતા અંદાજિત 12,000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.
ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અંદાજિત 12,000 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ની વિવિધ ટુકડીઓ તયનાત છે. નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી 617 વ્યક્તિઓનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. આ તમામ વ્યક્તિઓને શેલ્ટર હોમ ખાતે લઈ જઈ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે...આલોક પાંડે(રાહત કમિશ્નર, ગુજરાત સરકાર)
126 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદઃ છેલ્લા 3 દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને ૧૩ પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે. રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલનો ઘટાડો થઈ રહ્યો છે.
કોઈ મોટી જાન હાનિના સમાચાર નહીંઃ જો કે કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ કરાઈ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.
- Ahmedabad - Mumbai Railway : અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો, જાણો તે પાછળનું કારણ...
- Surat Rain Update : સુરતમાં તાપી નદીના પાણીમાં ત્રણ પૂજારી ફસાયાં, ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું