ગાંધીનગરઃ રાજ્ય સરકારનો નાણાં વિભાગ અત્યારે વર્ષ 2024-25ના બજેટની તૈયારીઓમાં વ્યસ્ત છે. સરકારના મોટાભાગના વિભાગો સાથે રીવ્યૂ બેઠકો પૂર્ણ થઈ ગઈ છે. ગત વર્ષે રાજ્ય સરકારે ગૃહમાં કુલ દેવું 3,20,812 કરોડ રુપિયા જાહેર કર્યુ હતું. આ વર્ષે આ દેવું વધારા સાથે જાહેર થવાની શક્યતાઓ છે. કનુ દેસાઈએ આ વર્ષે બજેટ 15થી 20 ટકા વધારા સાથેનું હોવાનું જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે અંતિમ બેઠક કરીને નાણાકીય વર્ષ 2023-24ના બજેટને અંતિમ સ્વરુપ આપવામાં આવશે.
RBIની ગાઈડ લાઈન પ્રમાણે દેવુંઃ રાજ્ય સરકારના નાણાં પ્રધાન કનુ દેસાઈને ગુજરાતના જાહેર દેવા વિશે પુછતા તેમણે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર RBIની ગાઈડ લાઈન પ્રમાણે જ દેવું કરે છે. જેમાં કેન્દ્ર સરકારે નક્કી કરેલ GSDPની સામે 27.10 ટકા મર્યાદા સામે ગુજરાતે 16.50 ટકા જ દેવું કર્યુ છે. જે ગુજરાતના યોગ્ય નાણાકીય વ્યવસ્થાપનનું પ્રતીક છે. ગુજરાત સરકાર દેવાનો ઉપયોગ રાજ્યમાં વિકાસ અને રોજગારી આગળ વધારવા માટે કરે છે. ગુજરાતમાં 22 લાખ કરોડનું ઉત્પાદન છે જેના 27 ટકા મુજબ ગુજરાત 5.75 લાખ કરોડનું દેવું કરી શકે છે. આ પ્રમાણમાં ગુજરાતનું દેવું મર્યાદિત છે. આ વર્ષે ગુજરાત સરકારના જાહેર દેવામાં 30થી 35 હજાર કરોડ નેટ વધારાની શક્યતા છે તેવું નિવેદન નાણાં વિભાગના મુખ્ય સચિવ જે. પી. ગુપ્તાએ આપ્યું છે.
ગુજરાતનું દેવું મર્યાદિત છે. રાજ્ય સરકાર RBIની ગાઈડ લાઈન પ્રમાણે જ દેવું કરે છે. જેમાં કેન્દ્ર સરકારે નક્કી કરેલ GSDPની સામે 27.10 ટકા મર્યાદા સામે ગુજરાતે 16.50 ટકા જ દેવું કર્યુ છે...કનુ દેસાઈ(નાણાં પ્રધાન)
દેવા પર કેટલું વ્યાજ ચૂકવાયું?: ગુજરાત વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસના અમિત ચાવડાએ રાજ્ય સરકારને છેલ્લા બે નાણાકીય વર્ષમાં જાહેર દેવા પર કેટલું મુદ્દલ અને વ્યાજ ચૂકવ્યું છે તેવો પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નના જવાબમાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2020-21માં મુદ્દલ-17,920 કરોડ, વ્યાજ-22,023 કરોડ અને વર્ષ 2021-22માં મુદ્દલ 24,454 અને વ્યાજ 23,063 કરોડ ચૂકવવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું. નાણાં પ્રધાને વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મર્યાદામાં રહીને દેવું કરવામાં આવ્યું છે. આ દેવાનો ઉપયોગ રાજ્યના વિકાસના સંસાધનો પાછળ કરવામાં આવ્યો છે.
આગામી બજેટમાં કોઈ ટેક્સ વધારો નહીંઃ નાણાં વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2024-25ના બજેટમાં રાજ્ય સરકારે ટેક્સમાં કોઈપણ પ્રકારનો વધારો કર્યો નથી. આ ઉપરાંત પ્રજાને ટેક્સમાં રાહત પણ આપવામાં આવશે. અનેક નવી ફ્લેગશિપ યોજનાઓ પણ નવા બજેટમાં જાહેર કરવામાં આવશે. જેનાથી લોકોને મળતી રોજગારી અને આવકમાં વધારો થશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં એટલે કે લગભગ 4 અથવા 5 તારીખના રોજ બજેટ સત્રની શરૂઆત થશે.
- ગુજરાત કેબિનેટ બેઠકમાં વાઈબ્રન્ટની સમીક્ષા, પાર્ટનર દેશની સંખ્યામાં વધારો થશે
- કેવું હશે ગુજરાત સરકારનું લોકસભા ચૂંટણી લક્ષી બજેટ ? ટેક્સમાં વધારાને લઈને રાજ્ય સરકારે કરી મહત્વપૂર્ણ જાહેરાત