જુનિયર કેજી, સિનિયર કે.જી. અભ્યાસ પૂર્ણ થયા બાદ ફરજિયાત બાલવાટિકામાં પ્રવેશ લેવો પડશે અને ત્યારબાદ ધોરણ-1 માં પ્રવેશ મળશે ગાંધીનગર : રાજ્યમાં નવી કેન્દ્રીય શિક્ષણ નીતિ નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે. ત્યારે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે પણ ઘણા ખરા ફેરફારો થશે. રાજ્યના શિક્ષણ વિભાગના વડા પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર એક નવો નિયમ લાવવા જઈ રહી છે જેની સત્તાવાર ટૂંક સમયમાં જ જાહેરાત થશે અને જે બાળકો જુનિયર કેજી, સિનિયર કે.જી. અભ્યાસ પૂર્ણ થયા બાદ ફરજિયાત બાલવાટિકામાં પ્રવેશ લેવો પડશે અને ત્યારબાદ ધોરણ-1 માં પ્રવેશ મળશે.
બાળકોને 3 વર્ષ ફરજીયાત પાયાનું શિક્ષણ આપવામાં આવશે : ગુજરાત રાજ્યમાં નવી શિક્ષણનીતિ પ્રમાણે બાળકોને ફરજિયાત ત્રણ વર્ષ સુધી પાયાનું શિક્ષણ આપવામાં આવશે. આમ જુનિયર કેજી બાદ સિનિયર કેજી અને પછી બાલવાટિકામાં ત્રીજું વર્ષ પસાર કરવું પડશે અને ત્યારબાદ જ પહેલા ધોરણમાં એડમિશન પ્રાપ્ત થશે. જ્યારે આ નવો નિયમ એક જૂનથી નવા શૈક્ષણિક સત્રથી જ લાગુ કરવામાં આવશે. જેથી ગુજરાતના લાખો બાળકો કે જેઓ હાલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓને ફરજિયાત બાલવાટિકામાં અભ્યાસ કરવો પડશે.
આ પણ વાંચો નવી શિક્ષણનીતિ: શક્યતાઓ અને તેની મુશ્કેલીઓ
6 વર્ષ વયની શરતો પૂર્ણ કરવા માટે જોગવાઈ : કેન્દ્રીય શિક્ષણનીતિ અનુસાર જે બાળકને 6 વર્ષ પૂર્ણ થયા હોય તેવા જ બાળકો ધોરણ એકમાં પ્રવેશ મેળવી શકશે. જેને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર રીતે આ નવા નિયમની જાહેરાત કરવામાં આવશે. હજી સુધી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ શૈક્ષણવિદો, શાળા સંચાલકો, શિક્ષણ સંઘ સાથે બેઠક કરીને આ સમગ્ર બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે અને હજી સુધી આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાની વાત પણ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ કરી હતી.
આંગણવાડી અને પ્રાથમિક શાળામાં એક વર્ગનો વધારો થશે : રાજ્ય સરકારની આંગણવાડીઓ પ્રાથમિક શાળાઓ તથા ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં લઈને બાલવાટિકા નામના એક વર્ગનો પણ વધારો કરવામાં આવશે. જેની પ્રોસેસ પણ જે તે શાળા દ્વારા કરવામાં આવશે અને શિક્ષણ વિભાગ તેને મંજૂરી પણ આપશે. આમ જૂન મહિનાથી શરૂ થઈ રહેલ નવા શૈક્ષણિક વર્ષમાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં જુનિયર કેજી સિનિયર કેજી બાદ બાલવાટિકાના વર્ગો પણ શરૂ કરવામાં આવશે અને સાત વર્ષની ઉંમર શરૂ થયા બાદ જ બાળકને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની મુખ્ય લાક્ષણિકતાઓ
વાલીઓએે એક વર્ષ વધારે ફી ભરવી પડશે : રાજ્ય સરકાર દ્વારા જે રીતે નિર્ણય લેવામાં આવશે ત્યારે તે અનુસાર તમામ બાળકોને 3 વર્ષ સુધી જુનિયર કેજી સિનિયર કેજી અને બાલવાટિકામાં અભ્યાસ કરવો પડશે. જ્યારે હાલ વર્તમાન સમયમાં બાળકને ફક્ત સિનિયર કેજી અને જુનિયર કેજીમાં જ અભ્યાસ કર્યા બાદ ધોરણ એકમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે. ત્યારે નવા શિક્ષણ નીતિના નવા નિયમના કારણે બાળકને એક વર્ષ બાલવાટિકામાં પસાર કરવું પડશે. જેથી વાલીઓ માટે 1 વર્ષની વધારે ફી પણ ભરવી પડશે. જ્યારે બાળકને પણ ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે એક વર્ષ વધારે ભણવું પડશે. જ્યારે બાલવાટિકામાં ધોરણ 1 ના અમુક અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે.