મહા વાવાઝોડું રાજ્યના દરિયા કિનારે થી 600 કિલોમીટર દૂર છે, ત્યારે રાજ્ય સરકારે પણ તૈયારીઓ અને બચાવ કામગીરીની સમીક્ષા હાથ ધરી છે. રાજ્યના મહેસુલ સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાવાઝોડાને લગતી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં NDRF અને SDRFની ટીમને સ્ટેન્ડ બાઈ કરી દેવામાં આવી છે. જ્યારે વધુ 15 NDRF ટીમને અન્ય રાજયમાંથી એરલીફ્ટ કરવામાં આવશે.
પંકજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, મહા વાવાઝોડા અંગે સરકારે તૈયારી પુરી કરી છે. વાવાઝોડા અંગેની પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે. જ્યારે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ પણ સાંજ સુધીમાં જિલ્લા કલેકટર પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સથી તૈયારીઓની સ્થાનિક કક્ષાની માહિતી મેળવશે. વાવાઝોડા પહેલા દરિયો ખેડવા 12 હજાર બોટ ગઈ હતી, જેમાં 600 બોટ અટવાઈ હતી, બાદમાં આ 600 બોટ દરિયામાંથી કિનારે પરત ફરી છે. જે સાંજ સુધીમાં પરત આવશે. તમામ માછીમારો સંપર્ક સાધવામાં આવ્યો છે. ઉપરાંત દરિયા કિનારાના નજીકના વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાનો નિર્ણય મંગળવાર સુધીમાં લેવામાં આવશે. જ્યારે વાવાઝોડાને અસરને કારણે સોમનાથ, દિવ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જેવા દરિયા નજીકના જિલ્લામાં વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.