ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત મત્સ્યોદ્યોગ વટહુકમ-2020 જાહેર, રાજ્ય બહારની ફિશિંગ બોટો પર સીમા ઉલ્લંઘનનો દંડ વસૂલાશે - નવો ગુજરાત મત્સ્યોદ્યોગ વટહુકમ જાહેર

પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા કડક પગલાં લેવામાં આવશે, તેમજ જો રાજ્ય બહારની ફિશિંગ બોટો આવશે તો સીમા ઉલ્લંઘન બદલ રૂપિય 1 લાખનો દંડ વસૂલવામાં આવશે.

પપપ
િુપલ

By

Published : Jul 23, 2020, 7:00 PM IST

ગાંધીનગર : ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સીમાઓ પસાર થાય છે. આ દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત થાય તે હેતુસર ગુજરાત મત્સ્યોદ્યોગ વટહુકમ-2020 બહાર પાડવામાં આવ્યો છે.

આ બાબતે રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા બોટ માલિકો સામે કડક પગલાં લેવાશે.

ગુજરાત 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના વિસ્તારમાં ગુજરાતના તેમજ અન્ય રાજ્યોના માછીમારો ‘લાલ પરી’ નામનું વિશિષ્ઠ પ્રકારનું સારું મત્સ્ય પકડવાની લાલચમાં પ્રવેશી જતા હોય છે. જેના કારણે પાકિસ્તાન સીક્યુરીટી દ્વારા ભારતીય ફીશીંગ બોટોના અપહરણના બનાવો બનતા રહે છે.

આ ઘટનાઓ અટકાવવાના હેતુસર બોટ માલિક સામે કડક પગલા લેવા આવશ્યક હોય, જેનેલઇને રાજ્ય સરકાર દ્વારા આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાનાં સંદર્ભમાં રાજયની મરીન પોલીસને ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી કરતી કોઈ પણ પ્રકારની ફીશીંગ વેશેલ્સ/બોટ/ક્રાફ્ટ/ડીપસી બોટ અથવા અન્ય કોઈ યાંત્રીક ૨ચના કે મછવોની તપાસ અને જપ્તી એટલે કે search and Seizureની સત્તાઓ આપવા માટે જરુરી પ્રાવધાન કરવામાં આવ્યું છે.

આ માટે રાજયના મરીન પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરાયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને અમલ બજવણી અધિકારી જાહેર કરી તેમને વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે.


જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ અસ્તિત્વ ધરાવતા ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003માં અન્ય રાજ્યની બોટ સામે દંડની જોગવાઈ નથી. કેટલીક વાર રાજ્ય બહારની બોટો રાજ્યની દરિયાઈ સીમામાં માછીમારી અથવા અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ માટે આવે છે અને રાજ્યનાં માછીમારોનાં હિતોનું ઉલ્લંઘન કરે છે.

રાજ્ય બહારની ફીશીંગ બોટો દ્વારા રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો સામે દંડની જોગવાઈ કરવી જરૂરી છે. આ વટહુકમ દ્વારા દંડની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય બહા૨ની ફિશિંગ બોટો દ્વારા રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો સામે રૂપિયા 1 લાખના દંડની જોગવાઈ તથા આ બોટમાં મળેલા મત્સ્ય પકડાશની હરાજી કરતા જે રકમ મળે તેની પાંચ ગણી ૨કમ વસુલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ ગુના અને દંડની જોગવાઈ માટે સ્થાનિક સત્તાક્ષેત્રના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા શિક્ષાત્મક સજા કરવામાં આવશે અને ફક્ત સબ-ડીવિઝનલ મેજિસ્ટ્રેટ આ માટે અમલ અધિકારી રહેશે. તે ઉપરાંત ગુનાના દંડ વસૂલવા માટે સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તથા અપીલ અને ફેર તપાસ માટે ન્યાય નિર્ણય અધિકારી તરીકે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું પ્રાવધાન કરાયું છે.

ગુજરાત રાજ્યના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં મત્સ્યોદ્યોગના રક્ષણ, સં૨ક્ષણ, વિકાસ-નિયમન માટે અને તે સાથે સંબંધિત અથવા આનુષંગિક બાબતો માટે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 બનાવવામાં આવ્યો છે. માછીમારીના જહાજો અને માછીમારી પ્રવૃત્તિઓનું નિયમન-દેખરેખ રાખવા મરીન પોલીસ ખાતાને મત્સ્યોદ્યોગ અધિકારીઓ અને તટરક્ષક દળ (કોસ્ટગાર્ડ) સાથે સહયોગમાં સશકિતકરણ કરીને કામ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવા કાયદાની જોગવાઈઓ અને નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.

પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારીની પ્રવૃત્તિઓના આડમાં કોઈ પણ રાજ્યની સુરક્ષાને જોખમાતી હોય છે તેથી કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવો જરૂરી હોય છે. હાલ રાજ્યમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 અમલમાં છે. રાજ્યના પ્રાદેશિક જળક્ષેત્રમાં રાજ્યની અને રાજ્ય બહારની માછીમારી બોટ દ્વારા રાજ્યની સુરક્ષાના વિરુદ્ધમાં ગતિવિધિના નિરીક્ષણ માટે આ કાયદામાં જરુરી સુધારા-ફેરફાર કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, તારીખ 18 માર્ચ 2020ના રોજ મળેલી મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વિધેયક-2ને વિધાનસભામાં પસાર કરવા માટે મુસદો ૨જુ કર્યો હતો. પરંતુ કોરોના વાઈરસની પરિસ્થિતિને કારણે વિધાનસભા મુલતવી રહેતા આ બિલ પસાર થઈ શકયુ ન હતુ. આ વિધેયકને ઓર્ડિનન્સ તરીકે પ્રસિધ્ધ કરવાની હાલના સંજોગોમાં તાકીદની જરૂરિયાતને ધ્યાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય કરી આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details