કાયદાકીય રૂટ લડત આપવા માટેની ચીમકી EX MLA કાઉન્સિલે ઉચ્ચારી ગાંધીનગરગુજરાત રાજયના પૂર્વ ધારાસભ્યોને કોઈ પ્રકારની વ્યવસ્થા અને સુવિધાઓ સરકારી તંત્ર પાસેથી પ્રાપ્ત થતી નથી ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્યની કાઉન્સિલ સરકાર સાથે મંત્રણા કરીને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અનેક બેઠક કરી છે, પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે રાજ્યમાં પૂર્વ ધારાસભ્યની આજે ગાંધીનગર ખાતે મળેલ બેઠકમાં જો સરકાર સાથે ચર્ચા બાદ પણ પૂર્વ ધારાસભ્યને પેંશન જેવી સુવિધાઓ આપવામાં નહીં આવે તો કાયદાકીય રૂટ લડત આપવા માટેની ચીમકી EX MLA કાઉન્સિલે ઉચ્ચારી છે. જ્યારે અનેક પૂર્વ ધારાસભ્ય ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જીવન જીવતા હોવાનું નિવેદન પણ પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલ બેઠક બાદ નિવેદન કર્યું હતું.
દેશના તમામ રાજ્યના પૂર્વ ધારાસભ્યો મળે છે પેન્શન ગુજરાત પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલ આગેવાન બાબુ મેઘજી શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમારી સાથે ધારાસભ્ય બનનાર 3 ધારાસભ્યો 2022 ચૂંટણીમાં ફરીથી ધારાસભ્ય બન્યા છે. જેથી તેઓનું સન્માન કરવામાં આવ્યું છે. ઉપરાંત દેશના તમામ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે પણ ગુજરાતમાં પેંશન આપવામાં આવતું નથી જેથી તાત્કાલિક ધોરણે સરકાર અને વિધાનસભા ગૃહ નિર્ણય કરે. જો નિર્ણય નહીં કરવામાં આવે તો કાયદાકીય રીતે પણ વર્ષ 2023 ના અંત સુધીમાં અમે આ મુદ્દાનો નિવેડો લાવીશું. ઉપરાંત સરકારે જે 15 લાખ રૂપિયાના મેડિકલ પરિપત્ર કર્યો છે તે બદલ પણ સરકારનો આભાર માનીએ છીએ પણ હજુ અમારી અનેક પડતર માંગ છે.
આ પણ વાંચો ભાજપના રાજમાં હવે પૂર્વ ધારાસભ્યો પણ પેન્શન મેળવવા ધરણા કરશે
કઈ પડતર માંગ છે પૂર્વ ધારાસભ્યોની પડતર માંગ બાબતે બાબુ મેઘજી શાહે મીડિયા સાથેની વાત પૂર્ણ થયા બાદ ETV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું અમારી મુખ્ય માંગણી પૂર્વધારણા સભ્યોને પેન્શન આપવાની જ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં ટ્રાન્સપોર્ટની સુવિધા અમને મળે. સાથે જ ગુજરાત સરકારના અલગ અલગ રાજ્યોમાં જ્યાં ગેસ્ટ હાઉસ (ગુજરાત ભવન) છે ત્યાં પણ અમને ઉતારાની વ્યવસ્થા પ્રાપ્ત થાય તે માટેની પણ અમારી માંગણી છે. આ ઉપરાંત જાહેર જનતાની કોઈ પરેશાની હજુ પણ અમારી પાસે આવે છે ત્યારે દિલ્હી ખાસ રજૂઆત કરવા જવાનું હોય ત્યારે એરફેરમાં સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટેની રજુઆત છેલ્લા કેટલાય સમયથી પડતર છે.
સરકારે ફક્ત એક માંગ સ્વીકારી છેગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્યોને અત્યાર સુધી કોઈ પણ મેડિકલ બિલની સુવિધા પ્રાપ્ત થતી ન હતી ત્યારે રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વર્તમાન ધારાસભ્ય સહિત ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્યોને પણ ખાનગી હોસ્પિટલમાં 15,00,000 સુધીની મેડિકલ બિલની સુવિધા આપવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ખાસ પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આમ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ફક્ત એક જ માંગ સ્વીકારી છે. જેમાં પૂર્વ ધારાસભ્યોને પણ 15 લાખ રૂપિયા સુધીના મેડિકલ બિલ રીએમ્બર્સમેન્ટની સુવિધાઓ આપવામાં આવશે.
આ પણ વાંચો પૂર્વ MLAની પેન્શન લડતને મળી શકે છે આંચકો, જૂનાગઢના પૂર્વ MLA મશરૂએ પેન્શનની માગને ગણાવી અયોગ્ય
સરકાર કોઈના અહમને પોષી રહી છે : EX MLA પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલના આગેવાન બાબુ મેઘજી સાહેબ મીડિયા સાથેની વાતચીતમાં સરકાર અનેસરકારના ખૂબ જ આગેવાન નેતા ઉપર નામ ન બોલીને આક્ષેપ પણ કર્યા હતાં. જેમાં શાહે આક્ષેપ કર્યા હતા કે દેશના તમામ રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન અને અન્ય સુવિધાઓ પ્રાપ્ત થાય છે પરંતુ ગુજરાતમાં જ આ સુવિધા પૂર્વ ધારાસભ્યોને પ્રાપ્ત થતી નથી. ત્યારે સરકાર કોઈના અહમને પોષી રહી હોવાથી અમારી માંગણી સંતોષાતી નથી.
તમામ પક્ષના પૂર્વ ધારાસભ્યો કાઉન્સિલમાં છે તેમણે જણાવ્યું કેે અમારી કાઉન્સિલમાં કોઈ એક પક્ષના જ પૂર્વ ધારાસભ્ય નથી, પરંતુ ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો આ કાઉન્સિલમાં છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ભરત બારોટે નિવેદન આપ્યું હતું કે કહેવાતા ગાંધીવાદીઓએ ઉપવાસ કર્યા અને તેમના ઉપવાસથી જ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના પેન્શન માટેનું બિલ પરત ખેંચવામાં આવ્યું હતું અને રદ પણ થયું હતું. આમ 1995માં સુરેશ મહેતાની સરકારમાં સર્વાનુમતે પેન્શન બિલ વિડ્રો કરવામાં આવ્યું હતું. જ્યારે અમે અમુક વકીલો સાથે પણ બેઠકો કરી છે અને તેઓએ પણ કહ્યું છે કે તમે તમારી રીતે નિવેડો લાવો અને જો ના આવે તો કોર્ટ મારફતે અવશ્ય આ નિર્ણય આવશે અને આ ખૂબ જ સરળ છે.
ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેંશન ન મળે તો MPને ન મળવું જોઈએ જ્યારે પૂર્વ ધારાસભ્યના કાઉન્સિલના સભ્ય એવા ભીખાભાઈ રબારીએ પણ નિવેદન આપ્યું હતું કે 1985માં ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો માટેનું પેન્શન બિલ લાવવામાં આવ્યું હતું. પરંતુ તે પરત ખેંચવામાં આવ્યું. જ્યારે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળતું નથી તો ગુજરાતના જ સાંસદ સભ્યને પણ મળવું ન જોઈએ. આ ઉપરાંત જે વ્યક્તિ ધારાસભ્ય બન્યો હોય અને ત્યારબાદ સાંસદ સભ્ય બને તો તેને પેન્શન મળે છે. તો એક જ વ્યક્તિ માટે આવા બેધારા ધોરણ કેમ તેવા પણ પ્રશ્ન કર્યા હતાં. સાથે જ વર્તમાન સમયમાં ગુજરાત એસટીની વોલ્વો બસમાં પણ પૂર્વ ધારાસભ્યોને બેસવા દેતા નથી અને વોલ્વો બસમાં પૂર્વ ધારાસભ્ય તો ઠીક પરંતુ વર્તમાન ધારાસભ્ય માટેની સીટ અનામત રાખવાની પણ કોઈ પ્રકારની જાહેરાત પણ લખેલી નથી.