ચોમાસું સત્ર પહેલા મોક વિધાનસભાનું આયોજન, 30 થી વધુ ધારાસભ્યો ગેરહાજર રહ્યા ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં કામકાજ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પહેલા વિધાનસભાનું ગૃહ 13 થી 15 સપ્ટેમ્બરના રોજ મળવાનું હતું. પરંતુ હવે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં એક દિવસ વધુ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિધાનસભા ગૃહની કામગીરી : વિધાનસભા ગૃહની કામગીરી બાબતે કામકાજ સલાહ સમિતિની બેઠક પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને કામકાજ સલાહકાર સમિતિના સભ્ય શૈલેષ પરમારે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહ પહેલા ત્રણ દિવસનું કરવામાં આવ્યું હતું. પરંતુ નવ જેટલા સુધારા બિલ હોવાના કારણે અને પૂરી ચર્ચા થાય તેને ધ્યાનમાં લઈને વિધાનસભા સત્ર શનિવાર સુધી એટલે કે વધુ એક દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. હવે શનિવારે વિધાનસભા ગૃહ પૂર્ણ થશે. જ્યારે આ વિધાનસભા ચૂંટણી કામગીરીની વાત કરવામાં આવે તો નવ જેટલા સુધારા બિલ ચાર દિવસમાં એક એક કલાકની પ્રશ્નોત્તરી, G20 અને ચંદ્રયાન બાબતનો સંકલ્પ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
9 સુધારા બિલ : વિધાનસભા ગૃહની કામગીરીમાં નવ જેટલા સુધારા બિલ રજૂ કરવામાં આવશે. જેમાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક, ગુજરાત ખેત ઉત્પાદન સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ અને OBC રિઝર્વેશન સંબંધિત સુધારા વિધેયકનો સમાવેશ થાય છે.
મોક વિધાનસભા : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરના રોજ મળી રહ્યું છે. રાષ્ટ્રપતિના હસ્તે વિધાનસભાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે આજે તમામ ધારાસભ્યો માટેનું એક મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના 25 થી વધુ ધારાસભ્ય, કોંગ્રેસના પાંચ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય સહિત કુલ 30 થી વધુ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે ભુપેન્દ્ર પટેલના સરકારની વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલ મંજૂરી લીધા બાદ મોક વિધાનસભામાં આવ્યા ન હતા. ઉપરાંત બળવંતસિંહ રાજપૂત ખરાબ તબિયતના કારણે મોક વિધાનસભાથી દૂર રહ્યા હતા.
ઈ-વિધાનસભા :મોક વિધાનસભામાં ધારાસભ્યો ઈ-વિધાનસભાથી ટેવાઈ જાય તેને ધ્યાનમાં લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચિત્ર દોરીને પોતાની સ્પીચ આપી હતી. જ્યારે ઈ-વિધાનસભા સત્રમાં ચિઠ્ઠી પ્રથા બંધ થશે કારણ કે, હવે પક્ષને પોતાના ધારાસભ્યને કોઈ મેસેજ આપવો હશે તો સીધા ટેબલેટ પર આપી શકશે. જ્યારે 116 ની નોટિસ, 144 ની નોટિસ, વિધાયકો અને ટેબલ પર મૂકવાના તમામ કાગળો પણ ઓનલાઈન ધારાસભ્યો જોઈ શકશે. જ્યારે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ ગુજરાતની વિધાનસભા પ્રથમ ઈ-વિધાનસભા છે તેમ કહીને ભાંગરો વાટ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભા સમગ્ર દેશની આઠમી ઈ-વિધાનસભા છે.
- Gujarat e-Assembly : CM ભૂપેન્દ્ર પટેલ ઈ-વિધાનસભાની તાલીમ લીધી, ચોમાસુ સત્રની તમામ કામગીરી ઓનલાઈન થશે
- Gujarat e Assembly : ઓનલાઈન MLA પ્રેઝન્ટ, આઈ ડિટેક્શન સિક્યુરિટી, 2 સર્વરથી સજ્જ હશે ગુજરાત ઈ-વિધાનસભા