ગાંધીનગર : મચ્છુ ડેમ તૂટવાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા હતાં અને આખી સરકાર મોરબીથી ચલાવવાનો પરિસ્થિતિ પણ ઉભી થઈ હતી. તે સમયે વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ પણ ગુજરાતના મોરબીમાં રહીને સરકાર ચલાવી હતી. ત્યારે દિલ્હીમાં સંસદીય સમિતિમાં લેવાયેલ નિર્ણય પ્રમાણે દેશના 100 વર્ષથી જૂના તમામ ડેમનો સર્વે કરી ડેમોની મજબૂતાઈ વધારવાની નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જે ડેમ હોય તેને તોડવાનો નિર્ણય પણ કેન્દ્રિય સંસદીય સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં કુલ 24 જેટલા 100 વર્ષ જૂના ડેમ છે તેનો રાજ્ય સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાતમાં 100 વર્ષ જૂના 24 ડેમ :ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ ગુજરાતમાં કુલ 24 જેટલા ડેમો 100 વર્ષ કે તેથી વધુની સમયમર્યાદાથી અસ્તિત્વમાં છે. આ ડેમોની સલામતીની દ્રષ્ટિએ કાળજી લેવા કેન્દ્ર સરકારના આદેશ મુજબ ગુજરાત સરકારે પણ 50થી 100 વર્ષ પહેલા બાંધવામાં આવેલા તમામ ડેમની કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આધારે ચકાસણી કરવાનું જાહેર કર્યુ છે.
ડેમોની થશે જાળવણી : કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકારે 100 વર્ષ જૂના ડેમો અંગે કામગીરી હાથ ધરી છે. આ કામગીરી બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 50થી 100 વર્ષ પહેલાં જે ડેમોનું બાંધકામ કરવામાં આવ્યુ હતું તે તમામ ડેમની ચકાસણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનના આધારે ડેમની ચકાસણી અને મેન્ટેનન્સ કરવામાં આવશે. સંસદીય સમિતિએ દેશના ડેમની સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. 100 વર્ષ જૂના ડેમ સરેરાશ 15 થી 17 મીટર ઉચાઇ ધરાવે છે.
આ પણ વાંચો G20 Summit in Gandhinagar : ભારતમાં ભૂગર્ભ જળના ઉપયોગ વિશે મળી મહત્ત્વની જાણકારી, G20માં આયોજનો જાણો
ગુજરાતનો પ્રથમ ડેમ આજવા ડેમ : ગુજરાતમાં સૌ પ્રથમ વખત 1892માં આજવા ડેમ તૈયાર કરવામાં આવ્યો હતો. આજવા ડેમ મધ્ય ગુજરાતના વાઘોડીયામાં બાંધવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1900થી વર્ષ 1920 સુધીમાં 24 કરતાં વધુ ડેમનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યુ હતું. આ ડેમની સરેરાશ ઉચાઇ 15 થી 17 મીટર જોવા મળે છે. ઉપરાંત રાજ્યમાં 100 વર્ષ જૂના ડેમ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આવેલા છે. આ તમામ ડેમોની સરેરાશ પહોળાઇ 200 મીટરથી માંડીને 5 હજાર મીટર જેટલી છે. ઓક્ટોબર 1987માં તત્કાલીન કેન્દ્ર સરકારે ડેમની સેફ્ટી માટે નેશનલ કમિટી ઓફ ડેમ સેફ્ટીની રચના કરી હતી.
25 વર્ષ જૂના ચેકડેમ રીપેર કરવાનો નિર્ણય : ગુજરાતમાં ભુર્ગભ જળનો વધુ સંગ્રહ થાય તે માટે સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે 4 જાન્યુઆરી 2023ના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં 25 વર્ષ જૂના ચેકડેમ રિપેરિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં ભૂગર્ભ જળ ઉંચા લાવવા અને દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. જો કે, રાજ્ય સરકારને મળેલી રજૂઆત પ્રમાણે ચેકડેમની જાળવણીના અભાવે જળસંગ્રહ થઇ શકે તેટલી માત્રામાં કરી શકાતો નથી.
100 વર્ષ કે તેથી વધુ જૂના ડેમોની વિગતો : ગુજરાતમાં આવેલા 100 વર્ષ જૂના ડેમ વિશે વિસ્તારથી જોઇએ તો 1902માં વાઘોડીયામાં બનેલો આજવા ડેમ 4390 મીટર પહોળાઇ અને 17.07 મીટર છે. જસદણમાં 1902માં બનેલો અઢીયા ડેમ 1829 મીટર પહોળાઇ અને 15 મીટર ઊંચાઇ ધરાવે છે. રાજકોટનો આનંદપર ડેમ 1907માં બન્યો છે જે 231 મીટર પહોળાઇ અને 15 મીટરની ઊંચાઇ ધરાવે છે. ખેરાલુનો ચીમનભાઇ લેક ડેમ 1906માં બન્યો હતો જે 4840 મીટર પહોળાઇ અને 15 મીટર ઊંચાઇ ધરાવે છે. લાઠીનો ધામેલી ડેમ 1914માં બનાવાયો હતો અને તેની પહોળાઇ 640 મીટર તેમ જ ઊંચાઇ 12.05 મીટર છે. વાઘોડીયાનો ધોનોરા ડેમ 1911માં બન્યો અને 1829 મીટર પહોળો અને 15 મીટર ઊંચો છે. સોનગઢમાં આવેલો ડોસાવાડા જેમ 1912માં બન્યો અને તેની પહોળાઇ 573 મીટર અને 17.38 મીટર ઊંચો છે. ભુજનો ફકીરવાડી જેમ 1913માં બન્યો હતો જેની પહોળાઇ 408 મીટર છે અને 18.11 મીટર ઊંચાઇ છે.
આ પણ વાંચો Narmada Dam Foundation Day : નર્મદા ડેમને 62 વર્ષ પૂર્ણ, કઇ રીતે બન્યો "ગુજરાતની જીવાદોરી' જૂઓ
ડેમ વિગતો : ખંભાળિયામાં 1902માં બનેલો હંસસ્થલ ડેમ 122 મીટર પહોળો અને 12 મીટર ઊંચો છે. રાણાવાવનો ખંભાલા ડેમ 1901માં બન્યો અને 700 મીટર પહોળો તેમ જ 21.03 મીટર ઊંચો છે. રાજકોટનો કુવાડવા ડેમ 1908માં નિર્માણ પામ્યો તે 534 મીટર પહોળો અને 16 મીટર ઊંચો છે. પ્તાંતિજનો લીમલા ડેમ 1912માં બન્યો અને 427 મીટર પહોળો અને 15 મીટર ઊંચો છે. ચોટીલાનો મોલડી ડેમ 1902માં બન્યો અને 1440 મીટર પહોળો અને 12 મીટર ઊંચો છે. અમરેલીના મોટા ઓકડીયા ડેમ 1903માં બંધાયો અને 2005 મીટર પહોળો તેમ જ 15 મીટર ઊંચો છે. સલાલમાં બંધાયેલો મોટા બંધારીયા ડેમ 1911માં બંધાયો હતો અને 2843 મીટર પહોળો અને 10 મીટર ઊંચો છે. દાહોદનો મુવાલીયા ડેમ 1911માં બંધાયો અને તેની 544 મીટર પહોળાઇ છે અને 20 મીટર ઊંચાઇ છે. કોડીનારનો પીચ્છાવી ડેમ 1916માં બન્યો જેની 2866 મીટર પહોળાઇ અને 10.06 મીટર ઊંચાઇ છે. જસદણનો જ રાજાવાડલા ડેમ 1902માં બંધાયો અને 650 મીટર પહોળો અને 11 મીટર ઊંચો છે.
ડેમ વિગતો: સિહોરનો રામધણી ડેમ 1914માં બન્યો અને 275 મીટર પહોળો અને 18 મીટર ઊંચો છે. કપડવંજનો સાવલી ડેમ 1910માં બંધાયો અને 2301 મીટર પહોળો અને 11 મીટર ઊંચો છે. હાલોલનો વડાતળાવ ડેમ 1916માં બન્યો જેની 2669.45 મીટર પહોળાઇ અને 10 મીટર ઊંચાઇ છે. જામનગરનો વીજરખી ડેમ 1901માં બન્યો હતો અને તેની 1341 મીટર પહોળાઇ છે અને 11 મીટર ઊંચાઇ છે. ડભોઇનો વઢવાણ જોજવા ડેમ 1910માં બન્યો અને 239.26 મીટર પહોળો અને 3.05 મીટર ઊંચાઇ છે. જ્યારે દેવગઢ બારીયાનો ઝીઝરી ડેમ 1912માં બન્યો અને તેની 2126 મીટર પહોળાઇ અને 11.05 મીટર ઊંચાઇ છે.
G20માં ડેમોની પરિસ્થિતિ બાબતે ચર્ચા :28 માર્ચ 2023ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મળેલ G20 બેઠકમાં દેશના ડેમો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં કુલ 5000 જેટલા ડેમ નદીઓ પર તૈયાર કરવામાં આવ્યા છે અને આ તમામ નદીઓના ડેમને સુરક્ષિત રાખવા એ સરકારની મહત્વની જવાબદારી છે. G20 બેઠકમાં દેશના ડેમો બાબતે ચર્ચા દરમિયાન ડેમ સેફટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે ભારત અગ્રેસર હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત G20ના અધિકારી કુશ્વીનર વોરાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 2223 ડેમનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષો અને દિવસોમાં પણ ફેઝ 2 અને ફેઝ 3માં 736 જેટલા ડેમોનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.