ગાંધીનગર :રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વીજળી અને પાણી બંનેની માંગમાં વધારો થયો છે, ત્યારે આજની કેબિનેટ બેઠકમાં પીવાના પાણી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના ઋષિકેશ પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા સર્જાશે નહીં અને રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી ચાલે તેટલું પીવાના પાણીનો સ્ટોક છે. પીવાના પાણી માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી સેવાઓ પણ 24 કલાક માટે શરૂ કરી છે. જ્યારે કચ્છ જિલ્લામાં વધુ 400 MLD પાણી આપવાનો નિર્ણય કેબીનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.
રાજ્યમાં 53 ટકા પાણીનો જથ્થો : રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. 24 કલાકની ટોલ ફ્રી સેવા ફરિયાદ માટે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં સરદાર સરોવર સહિત મધ્યમ અને મોટા કુલ 207 બંધોમાં આજની સ્થિતીએ 4,14,500 મિ.ઘનફૂટ એટલે કે 53 ટકા જળસંગ્રહ છે. જેમાં પીવાના પાણી માટે આરક્ષિત બંધોમાં 2,52,000 મી. ઘનફુટ એટલે કે 50.32 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગુજરાતમાં પીવાના પાણીની જરૂરીયાત 46,000 મી.ઘનફૂટ છે. જેથી પાણીની કોઈ સમસ્યાઓ સર્જાશે નહીં.
પાણી માટે નવા આયોજન : પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાઓ દૂર કરવા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ વર્ષે કુલ 13 જિલ્લાઓમાં 325 નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે. તેમજ 432 નવીન મીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. આગામી દિવસોમાં જરૂરિયાત જણાશે તો નવીન 200 D.R. બોર તથા 3000 જેટલા D.T.H. બોર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત અગરિયાઓને દરિયા કાંઠે પાણી પૂરું પાડવા માટે જરૂરિયાત જણાય તો ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.